News Continuous Bureau | Mumbai
- શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળા ક્રમાંક-૪૭નાં શિક્ષિકા કિરણ જગદેવરાવ વાનખેડે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપે છે
- લખોટીની રમત સાથેના ગાણિતિક યંત્રથી ગણિત શીખે છે અને ઘરમાં પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલોથી જાતે ખાતર બનાવે છે વિદ્યાર્થીઓ
- ‘આજે કિશોરીઓ માટે નવી તકોનું આકાશ છે, જેમાં વિવિધ ક્ષેત્રે અગણિત તકો છે’: શિક્ષિકા કિરણ વાનખેડે
Teachers Day : છેલ્લા ૨૧ વર્ષથી મનપા સંચાલિત નવાગામ સ્થિત પ્રા.કન્યા શાળા શ્રીમતી સાવિત્રીબાઈ ફૂલેનાં શિક્ષિકા કિરણ જગદેવરાવ પાટીલ પોતાના વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન પૂરું પાડે છે. રમતા રમતા બાળકોને એવી રીતે શિક્ષણ આપે છે કે બાળકોને ખબર પણ ન પડે અને તેમનો અભ્યાસ પણ પૂરો થાય છે.
જૂના પાઠ્યક્રમને નવી પધ્ધતિથી રજૂ કરતા કિરણ કહે છે કે, અભ્યાસ માટે અલગ સમય કાઢવાની જરૂર નથી, બસ બાળકોને એવી રમતો રમાડો જેમાં અભ્યાસને મનોરંજન સાથે જોડવામાં આવે. તમે બધા સાંભળો છો કે બાળક આખો દિવસ લખોટી રમે છે તેથી તે ભણવામાં સમય નથી આપતું, પરંતુ મેં એક એવું ગાણિતિક યંત્ર બનાવ્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓ લખોટીની રમત સાથે ગણિત શીખે છે.
ભણવામાં આવતા પત્રવ્યવહાર વિષે આપવામાં આવતા પ્રેક્ટિકલ નોલેજ વિષે તેઓ કહે છે કે, આ પ્રવૃત્તિમાં બાળકીઓ દ્વારા લાલ પોસ્ટ બોક્સ તૈયાર કરવામાં આવે છે. જેમાં બધા વિદ્યાર્થીઓ પત્ર લખીને જાતે પોસ્ટ કરે છે. આ અનુભવથી બાળકો પત્ર વ્યવહારની પ્રણાલીથી પરિચિત થાય છે. બાળકોનું કૌશલ્ય સિમિત ન રહે તે માટે શિક્ષિકા કિરણએ ‘મેરા બ્લેકબોર્ડ’ની શરૂઆત કરી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ બ્લેકબોર્ડ પર કવિતા, વાર્તા, ચિત્રો, નિબંધ કે સામાન્ય જ્ઞાનના સવાલ જવાબ લખે છે. જેથી બાળકીઓની આ કળા-કૌશલ્યથી સૌ કોઈ પરિચિત થઈ શકે. જે તેમને આત્મવિશ્વાસ પૂરો પાડી ભવિષ્ય માટે તેમની સર્જનાત્મકતાને ખિલવા માટે તક આપે છે.
પોતાની વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે બાળકો સંવાદથી જાણકાર બને એ માટે અમે પત્રકાર પરિષદનું આયોજન કરીએ છીએ. જેથી તેઓ લોકોની સામે નીડરતાથી અને આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રજૂ કરી શકે. ઘણીવાર બાળકો મિલેટ વિષે અજાણ હોય છે. આ માટે જાગૃતતા લાવવા અમે ક્લાસમાં તેઓને ડેમો આપી છીએ. તો કેટલીક બાળાઓ મિનિટ્સથી બનતી વાનગીઓ બનાવે છે અને સાથે જ તેનો વિડીયો પણ બનાવે છે જેથી તેઓ અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરી શકે.
પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવા માટે તેમણે સ્કૂલમાં ‘ઈકો ક્લબ’ની શરૂઆત કરી છે. આ વિષે તેમણે કહ્યું કે શાળાના બધા જ છોડ-કુંડાઓની સાર સંભાળ બાળકો પોતે કરે છે. તેમજ પોતાના ઘરમાં ભગવાનની પૂજા માટે વપરાતા ફુલને શાળામાં લાવી જાતે જ મારા માર્ગદર્શન હેઠળ તેમાંથી ખાતર બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : Assembly Bypolls 2023: યુપી-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી, વિપક્ષી ગઠબંધન INDIAની પ્રથમ ચૂંટણી કસોટી… જાણો સંપુર્ણ વિગતો અહીં..
પોતાના સંઘર્ષો વિષે જણાવતા તેમણે કહ્યું કે, મેં મારી શિક્ષા ખૂબ મુશ્કેલ વાતાવરણમાં લીધી હતી. એ સમયે છોકરીઓ માટે ખૂબ મર્યાદિત ક્ષેત્ર હોવાથી તેમાંથી પસંદગી કરવી મુશ્કેલ હતી. એટલે જ આજે બદલતા સમય સાથે હું કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપું છું. આજે દરેક કિશોરીઓ માટે નવી તકોનું આકાશ છે, જેમાં વિવિધ ક્ષેત્રે અગણિત તકો છે, એમ જણાવતા પોતાની દરેક વિદ્યાર્થિનીઓને મોટા સ્વપન જોવા પ્રેરણા આપે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પ્રાથમિક શિક્ષક મહાસંગ સુરત દ્વારા કિરણ પાટિલ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૨એ સન્માનિત કર્યા હતા. તેમજ શિક્ષણ વિભાગ, ગુજરાત દ્વારા વર્ષ ૨૦૧૩નો પ્રતિભાશાળી શિક્ષકનો ઍવોર્ડ પણ મલયો હતો.