News Continuous Bureau | Mumbai
ખેડૂતે ચોમાસાની સિઝનમાં થતી સોયાબીનની ખેતી ઉનાળામાં કરી
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂતે ચોમાસાની સીઝનમાં થતા સોયાબીનની ખેતી ઉનાળાની સિઝનમાં કરી ઓછા ખર્ચે મબલક આવક મેળવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂત દિપકકુમાર કંચનલાલ મોદી છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત પોતે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. ખેડૂત સોયાબીન, શેરડી સહિતની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જો કે હાલ તેઓએ ધોમધખતા ઉનાળાની ઋતુમાં ચોમાસામાં થતા સોયાબીનની ખેતી કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા છે.
દિપકકુમાર કંચનલાલ મોદીએ અભ્યાસમાં બીબીએ કર્યું છે. ખેડૂતે ફૂલે સંગમ 726 એટલે કે KBS 726 પ્રકારના સોયાબીનની ખેતી કરી છે. સમાન્ય રીતે ગુજરાતમાં મળતા સોયાબીન કરતાં આ પ્રકારના સોયાબીનનો દાણો મોટો હોય છે.
આ પ્રકારના સોયાબીનની ખેતી મુખ્યત્વે ચોમાસાની સિઝનમાં કરવામાં આવે છે. ચોમાસામાં સિંગોની સંખ્યા પણ વધુ હોય છે. જો કે ખેડૂતે ઉનાળાની સિઝનમાં 3 વિંઘા જમીનમાં આ સોયાબીનની ખેતી કરી છે.
ઉત્પાદન 700 કિલોગ્રામ એટલે કે 14 થી 15 મણ થવાની આશા સેવી
ખેડૂત દિપક મોદીએ મહારાષ્ટ્રથી બિયારણ મંગાવ્યું છે. ખેડૂતે 25 કિલો બિયારણનું વાવેતર કર્યુ છે. જેનું ઉત્પાદન 700 કિલો એટલે કે 14 થી 15 મણ થવાની ખેડૂતે આશા સેવી છે. જોકે ચોમાસાની સિઝનમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે.
ખેડૂત સોયાબીનની ખેતીમાં છાણિયું ખાતર, બાયો સ્લરી, બકરીઓની લીંડી, ઘેટાની લીંડી, મરઘાનું ચરક, સુગર ફેકટરીનું પ્રેશમળનો ઉપયોગ ખાતર તરીકે કર્યો છે. ખેડૂત ઓરિજિનલ વેસ્ટ ડીકમ્પોજર (OWDC)બેક્ટેરિયાનો 3 હજાર લિટર છંટકાવ કરે છે. ડો.કિશન ચંદ્રાએ આ પ્રોડક્ટ બનાવી છે. ખેડૂત તેનો પાકમાં છંટકાવ કરે છે. જેના પરિણામ પણ ખૂબ સારા મળે છે.
ખેડૂતે સોયાબીનની ખેતીમાં મજૂરી ખર્ચ, બિયારણ સહિત 10 હજારનો ખર્ચ કર્યો છે. ખેડૂત પાકને 10 થી 12 વાર પાણી આપે છે. સોયાબીનને સીધો તડકો ન આવવા દેવો જોઈએ. સોયાબીનના 1 ક્વિન્ટલના રૂ. 6000 થી 6500 ભાવ છે. તેનો માર્કેટમાં 150 રૂપિયા ભાવ છે. જો કે ખેડૂત અન્ય ખેડૂતોને બિયારણ માટે રૂ.100ના ભાવે આપે છે. ખેડૂત 10 હજારના ખર્ચે 50 હજારની આવક મેળવે છે.