ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
ગુજરાતીઓની સ્વાદિષ્ટ વાનગીઓનો ચટકો તો વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ ઘણી દેશી વાનગીઓ એવી છે જે સમય જતાં વીસરાઈ ગઈ છે. હવે આ વીસરાઈ ગયેલી વાનગીઓ ફરી લોકોના ઘરે-ઘરે યુટ્યુબના માધ્યમે એક ગુજરાતી ગૃહિણી પહોંચાડી રહ્યાં છે. આ વાત છે હિરલ ગામીની, જેમણે પોતાની યુટ્યુબ ચૅનલ ‘સિલ્વર સ્પૂન હિરુ’સ કિચન’ના માધ્યમે ખૂબ નામના મેળવી છે અને આજે તેમની ચૅનલ પર 3.૪ લાખ જેટલા સબસ્ક્રાઇબર છે.
હિરલબહેનને કૂકિંગનો શોખ તો એકદમ નાનપણથી જ હતો. આ શોખને નવી દિશા આપવા વર્ષ ૨૦૧૬માં પરિવારજનોના સૂચન પ્રમાણે યુટ્યુબ પર પોતાની આ ચૅનલ બનાવી હતી. શરૂઆતમાં થોડા સમયની મહેનત બાદ તેમને દર્શકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ મળવા લાગ્યો અને તેમણે દરરોજ એક વિસરાયેલી દેશી ગુજરાતી વાનગીનો વીડિયો નાખવાની શરૂઆત કરી હતી. એક લાખ સબસ્ક્રાઇબર થયા ત્યારે તેમને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન પણ આપવામાં આવ્યું હતું.
આ સંદર્ભે વાતચીત કરતાં હિરલબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “આ તમામ સફળતા પાછળ મારા પરિવારનો સતત સપોર્ટ રહ્યો છે.” તેમણે પોતાની આ સફળતાનો જશ પોતાની મહેનત કરતાં પણ વધુ પરિવારના સપોર્ટ અને વડીલોના આશીર્વાદને આપ્યો હતો. તેમના પતિ રાકેશભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હિરલ ખૂબ જ ધગશ સાથે પોતાનાં બધાં જ કાર્યો કરે છે અને બધી જ જવાબદારીઓને પૂરી કરે છે.”
જાણો દહિસરની ગુજરાતી શાળાનો સુવર્ણ ઇતિહાસ; આવા કઠિન સંજોગોમાં શરૂ થઈ હતી શાળા
ઉલ્લેખનીય છે કે આ પરિવારમાં એક સાથે ચાર પેઢી એક જ ઘરમાં રહે છે જે ભાગ્યે જ જોવા મળે છે.
યુટ્યુબ ચેનલની લીંક – https://www.youtube.com/channel/UCm5GrI3AooPUECk7Vy_DFJw