ગુજરાતીનું શિક્ષણ મેળવી કયા ક્ષેત્રમાં આગળ વધી શકાય ?? અનુભવિ શિક્ષીકાનો લેખ…

સાંપ્રત સમયમાં જ્યારે વૈશ્વિક ભાષા તરીકે અંગ્રેજીનું મહત્ત્વ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ત્યારે આવો પ્રશ્ન થવો સ્વાભાવિક જ છે. વળી, મુંબઈમાં વસનારને તો એમ પણ થાય કે હવે મુંબઈમાં ગુજરાતી શાળાઓ રહી છે જ કયાં?!!

In which stream a person can build career after studying in Gujarati medium

News Continuous Bureau | Mumbai
સ્વતંત્રતા પહેલાંથી ગુજરાતીઓ વ્યવસાયને અનુલક્ષીને મુંબઈમાં સ્થાયી થયાં છે અને એક ગુજરાતી તરીકે હું એ લખતાં ગર્વ અનુભવું છું કે આજે પણ આશરે ૩૦% ગુજરાતીઓની વસતી મુંબઈમાં છે. વળી, મુંબઈમાં શિક્ષણ અને પત્રકારત્વ ક્ષેત્રે પણ ગુજરાતીઓનું યોગદાન હંમેશા અમૂલ્ય રહ્યું છે. આજની તારીખે પણ મુંબઈમાં આશરે ૩૦૦ જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ ચાલે છે. ઉપરાંત, સ્નાતક (Graduate), અનુસ્નાતક (Post-graduate) અને વિદ્યાવાચસ્પતિ (Ph.D) કક્ષા સુધી ગુજરાતીનો અભ્યાસ મુંબઈમાં ખૂબ સારી રીતે થઈ શકે છે.

વળી, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ દૃષ્ટિકોણથી નવી શિક્ષણનીતિનું અમલીકરણ થયું છે. ખાસ વાત એ પણ છે કે આ અભ્યાસક્રમમાં એક્ઝિટ પૉલિસી છે. વિદ્યાર્થી પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ડિગ્રી અને ચોથા વર્ષે ઓનર્સ કોર્સ કરીને વિદ્યાવાચસ્પતિ (Ph.D) સુધીનો સળંગ અભ્યાસ કરી શકે છે. વળી, આ અભ્યાસક્રમ વ્યવસાયલક્ષી હોવાથી, ગુજરાતીના અભ્યાસ દ્વારા સારી આજીવિકા ઊભી કરવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

Join Our WhatsApp Community
In which stream a person can build career after studying in Gujarati medium

In which stream a person can build career after studying in Gujarati medium

આજે હું મુંબઈમાં ગુજરાતીનો અભ્યાસ કરાવતી મુંબઈની કેટલીક મહત્ત્વની કૉલેજ અને વિદ્યાપીઠોની વાત અહીં કરવા ઈચ્છું છું.

વિદ્યાવિહાર અને ઘાટકોપર ઈસ્ટના સંગમે આવેલી સોમૈયા કૉલેજ અને વિલેપાર્લા પશ્ચિમની મીઠીબાઈ કૉલેજ- બંને મુંબઈ વિદ્યાપીઠ અંતર્ગત સ્વાયત્તા પ્રાપ્ત (Autonomous) કૉલેજ છે. આ બંને કૉલેજો પોતાનો વિદ્યાર્થીલક્ષી અભ્યાસક્રમ જાતે તૈયાર કરે છે. અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ગુજરાતી ભાષા સાથે સ્નાતકની પદવી મેળવી શકે છે. સોમૈયામાં Ph.Dનું centre પણ છે.

ગુજરાતીના અગિયારમા અને બારમાના અભ્યાસક્રમમાં પ્રુફ રીડિંગ વણાયેલું હોવાથી, સોમૈયાના વિદ્યાર્થીઓને ત્યારથી જ પ્રુફ રીડિંગની તાલીમ આપવામાં આવે છે. સ્નાતક કક્ષાએ ત્રીજા વર્ષમાં પત્રકારત્વ, સાહિત્ય અને સિનેમા તથા અનુવાદકળાને અભ્યાસક્રમમાં આવરી લેવાયું છે અને તેની તાલીમ વિદ્યાર્થીઓ મેળવે છે. દરેક પેપરમાં ૨૫ માર્કસ્‌ના પ્રકલ્પ (project) અંતર્ગત ફિલ્મ, પુસ્તક કે નાટકની સમીક્ષા (review), નાટકો, વાર્તા વગેરે દ્વારા સર્જનાત્મક લેખન કરતાં પણ વિદ્યાર્થીઓ શીખે છે. પત્રકારત્વ અંતર્ગત દર વખતે જુદાં જુદાં વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ બધાં કાર્યક્રમો વિશે અહેવાલ લખે છે. સોમૈયા કૉલેજના ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ હેઠળ વિદ્યાર્થીઓ ગુજરાતી ટાઈપિંગ (DTP) શીખે અને કરે પણ છે.

In which stream a person can build career after studying in Gujarati medium

આ કૉલેજમાં વિદ્યાર્થીઓ માટે સેમિનાર, વર્કશોપ, ફિલ્ડ ટ્રીપ વગેરે યોજવામાં આવે છે. સાહિત્યકારોના જન્મશતાબ્દી વર્ષ જેવા અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે. કૉલેજમાં દર વર્ષે મહાવિદ્યાલયીન અને આંતર વિદ્યાલયીન અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે, જેમાં નાટક, એકોક્તિ, નૃત્ય, નિબંધલેખન, કાવ્યપઠન, નામ પટ્ટિકા (name plate) લેખન વગેરે અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓને આવરી લેવાય છે. દર મહિને એક વાર તેમને સાહિત્ય કે શિક્ષણને લગતું કોઈ નાટક કે ફિલ્મ દેખાડવામાં આવે છે.

સોમૈયા કૉલેજની આ બધી પ્રવૃત્તિઓ વિશેની જાણકારી તેમની વૅબસાઈટ, ફૅસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરે પર પણ ઉપલબ્ધ છે.

મીઠીબાઈ કૉલેજમાં પણ વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલે તે માટે વિશ્વ માતૃભાષા દિવસ, ગુજરાતી દિવસ, મહિલા દિવસ જેવા દિવસો હેઠળ કાવ્યપઠન, વાર્તાલેખન, ચર્ચા, નાટક જેવી અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

In which stream a person can build career after studying in Gujarati medium

સ્નાતક કક્ષાએ અહીં દર વર્ષે અનુવાદકળા કે કારકિર્દીલક્ષી પત્રકારત્વની જાણકારી આપતી અને શીખવતી કાર્યશાળાઓ યોજવામાં આવે છે. સાથોસાથ, ગુજરાતી ભાષા અને બીજા વિષયોનાં વિદ્યાર્થીઓને સર્જનાત્મક લેખનની કેળવણી આપીને તેમની કૃતિઓને કૉલેજનાં સામયિક ‘મીઠાશ’માં પ્રકાશિત કરવામાં આવે છે. આ કૉલેજની ચારેક છોકરીઓને સ્નાતક પદવી કરતાં કરતાં પ્રુફ રીડિંગ કરવાનું કામ પણ મળેલું.

હવે કરીએ મુંબઈની ગુજરાતી ભણાવતી વિદ્યાપીઠોની વાત! કોઈ પણ પ્રવાહ, વિષય કે વિદ્યાપીઠનાં સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના અનુસ્નાતક કોર્સમાં જોડાઈ શકે છે. આ કોર્સ બે વર્ષ એટલે ચાર સત્રનો હોય છે. આ બે વર્ષ દરમ્યાન ત્યાંના શિક્ષકો, વિશેષ અતિથિઓ, કાર્યશાળાઓ તથા પરિસંવાદ દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યનો સંપૂર્ણ અભ્યાસ વિદ્યાર્થિનીઓને કરાવવામાં આવે છે. સાથોસાથ, તેમને સાહિત્યિક અને વ્યવસાયલક્ષી તાલીમની અનેક તકો પૂરી પાડવામાં આવે છે.

ચર્ચગૅટમાં આવેલી પહેલી મહિલા વિદ્યાપીઠ ‘ઍસ.ઍન.ડી.ટી.’માં અગિયારમા-બારમાથી લઈને સ્નાતક, અનુસ્નાતક અને પી.ઍચ.ડી. સુધી ગુજરાતીનો અભ્યાસ માત્ર વિદ્યાર્થિનીઓ કરી શકે છે. સ્નાતક કક્ષાએ અહીં ગુજરાતી ભાષાવિજ્ઞાન, જોડણી ઉપરાંત અનુવાદકળા પર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. આ વિદ્યાપીઠ અંતર્ગત વિલેપાર્લા વેસ્ટમાં આવેલી નાણાવટી કૉલેજમાં પણ ગુજરાતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ થઈ શકે છે.
ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કર્યા પછી B.Ed , NET કે SET જેવી પરીક્ષાઓ પાસ કરીને શાળા કે કૉલેજમાં શિક્ષક તરીકેની કારકિર્દી ઘડી જ શકાય. વળી, અહીં અનુસ્નાતકના બે વર્ષ દરમ્યાન તેમને અનુવાદકળાનું એક પેપર ભણાવવામાં આવે છે. સચોટ રીતે ભાવાનુવાદ કરવાની તાલીમ દ્વારા, અનુવાદક્ષેત્રમાં પણ રોજગારની તકો ઊભી થઈ શકે છે.

In which stream a person can build career after studying in Gujarati medium

અહીં અપાતી કમ્પ્યુટર અને ઈન્ટરનેટની તાલીમ દ્વારા ગુજરાતી ભાષાનાં ટાઈપિંગ, ઍડિટિંગ અને ગ્રાફિક્સ વગેરેની જાણકારી મેળવી ઘેર બેઠાં પણ વ્યવસાયની તકો ઊભી થઈ શકે છે. ગુજરાતી અનુસ્નાતક વિભાગની વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ દ્વારા ચાલતા ‘સિસૃક્ષા સર્જનાત્મક મંચ’ અંતર્ગત બહેનો સર્જનાત્મક લેખન અને પઠન કરી, દર ત્રણ મહિને ‘સિસૃક્ષા’ સામયિક બહાર પાડે છે. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બહેનો સામયિકનું સંપૂર્ણ લેખન, સંપાદન, ટાઈપિંગ, સંશોધન, પ્રુફ રીડિંગ તથા સેટિંગ કરે છે અને શીખે પણ છે.

ઍસ.ઍન.ડી.ટી.માં ગુજરાતી વિભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ‘અશ્વજ્યોત મહિલા થિયેટર’ શૈક્ષણિક ઉદ્દેશ્ય સાથે ચાલે છે. આ થિયેટરના સંપૂર્ણ સંચાલન દ્વારા બહેનો નાટ્યપસંદગી, દિગ્દર્શન, અભિનય, સંગીત, મેક-અપ વગેરેની તાલીમ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મેળવે છે.

સાન્તાક્રુઝના કાલીના વિસ્તારમાં આવેલી મુંબઈ વિદ્યાપીઠમાં પણ ગુજરાતીમાં અનુસ્નાતક અને પી.ઍચ.ડી. સુધીનો અભ્યાસ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને દ્વારા થઈ શકે છે. અહીં પણ વિદ્યાર્થીઓને પરિસંવાદો, કાર્યશાળા વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સાહિત્ય અને ભાષાનો સર્વાંગી અભ્યાસ કરાવવામાં આવે છે. બે વર્ષનાં ચાર સત્રમાં વહેંચાયેલા આ કોર્સમાં પત્રકારત્વનો અભ્યાસ માત્ર સિદ્ધાંતિક રીતે નહીં, પણ અહેવાલલેખન, અનુવાદ વગેરેની વ્યવહારુ તાલીમ સાથે કરાવવામાં આવે છે. આમ, પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અનુવાદ, અહેવાલલેખન કે નાટક અને ફિલ્મક્ષેત્રે પણ પોતાની કારકિર્દી ઘડી શકે છે. ગુજરાતીમાં Ph.D કરવા માટે પણ અહીં માર્ગદર્શકો ઉપલબ્ધ છે.

૨૦૨૦ની નવી શૈક્ષણિક નીતિ અનુસાર વિવિધ વિદ્યાશાખાઓ (Arts, Commerce, Science) સાથે જોડાયેલા વિદ્યાર્થીને કોઈ પણ ભારતીય ભાષા જેવી કે ગુજરાતીનો અભ્યાસ કરવાનું ફરજિયાત છે. વળી, નવી શિક્ષણ નીતિના અંતર્ગત હવે ગુજરાતીમાં પણ વ્યવહારુ જ્ઞાન આપતાં પેપરો વધતાં, વિદ્યાર્થીઓને જુદા જુદા વિકલ્પોમાંથી પસંદગી કરવાનો અવકાશ પણ મળી શકશે.

સ્નાતક સુધીનો અભ્યાસ ગુજરાતમાં કર્યા પછી પણ વિદ્યાર્થી આ બંને વિદ્યાપીઠોમાંથી ગુજરાતીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી શકે છે. ગુજરાતીમાં અનુસ્નાતક થયા પછી રોજગારલક્ષી સરકારી પરીક્ષાઓ પાસ કરીને સારી સરકારી નોકરી મેળવી શકાય અને રોજગાર હોય તો આ ડિગ્રીની મદદથી પ્રમોશન પણ મળી શકે. વળી, જરૂર હોય તો આ બંને વિદ્યાપીઠોના કેંમ્પસમાં હૉસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે.

In which stream a person can build career after studying in Gujarati medium

હવે, આ બધી કૉલેજો અને વિદ્યાપીઠોમાંથી ભણીને પોતાની જ્વલંત કારકિર્દી ઘડનાર કેટલાંક વિદ્યાર્થીઓ વિશે જાણીએ.

સોમૈયા કૉલેજમાં વાણિજ્યનો અભ્યાસ કરતી રિદ્ધિ વોરાને સાહિત્યમાં પહેલાંથી રસ તો હતો જ. ગુજરાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાની અનુમતિ મળવાને કારણે તે કૉલેજના ગુજરાતી વિભાગના સંપર્કમાં આવી. ત્યાર પછી હંમેશા તેને ગુજરાતી શિક્ષકોનું પ્રોત્સાહન મળતું રહ્યું છે અને તેને પાછાં ફરીને કયારેય જોવું નથી પડ્યું.
વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતી રિદ્ધિને ગુજરાતી શિક્ષકો દ્વારા અભિનય કરવા પ્રોત્સાહન મળતાં તેનો અભિનયમાં રસ જાગ્યો અને આજે ગુજરાતી નાટકની જાણીતી હસ્તીઓ સાથે તે કામ કરી ચૂકી છે અને તેની આ અભિનયની યાત્રા હજુ ચાલુ જ છે. આ સિવાય તેણે આકાશવાણી મુંબઈમાં ગુજરાતીના ઉદ્‌ઘોષક તરીકે કામ કર્યું છે, અનુવાદો કર્યાં છે, ડબિંગ કર્યું છે, ગુજરાતી ન્યૂઝ પોર્ટલમાં કામ કર્યું છે, મોરારીબાપુની કથા સાંભળી , તેનું લખાણ તેમની વૅબસાઈટ પર ગુજરાતીમાં મૂક્યું છે. તે event managementનું કામ પણ કરે છે. ગુગલના ગુજરાતી લખાણની સમીક્ષા કરવાનું full time કામ તે અત્યારે ઘરેથી (work from home) કરી રહી છે. ગુજરાતી ભાષા તેનું કાર્યક્ષેત્ર હોવાથી તેણે હમણાં જ ઍસ.ઍન.ડી.ટી.માંથી ગુજરાતી સાથે અનુસ્નાતકની પદવી પણ મેળવી લીધી છે.

સોમૈયા કૉલેજના ગુજરાતી ભાષાના જ એક વિદ્યાર્થી સાગર ચોટલિયાને કૉલેજમાંથી મળેલો અનુભવ ખૂબ ઉપયોગી સાબિત થયો છે. કૉલેજમાં તેણે ઘણા અહેવાલો લખ્યાં છે. અનુસ્નાતકના બીજા જ વર્ષમાં તેને અનુવાદક તરીકે કામ મળ્યું હતું. આજ સુધી તેણે અનેક જાણીતા ગુજરાતી વર્તમાનપત્રોમાં પત્રકાર તરીકે કામ કર્યું છે, કૉલમો ચલાવી છે, પુસ્તકનો અનુવાદ કર્યો છે અને અનુસ્નાતક તથા NETની ડિગ્રી મેળવી આજે તે સોમૈયા કૉલેજમાં શિક્ષક તરીકે ભણાવે છે.

મીઠીબાઈ કૉલેજની જાહ્નવીએ સ્નાતક અને અનુસ્નાતક સુધીનો અભ્યાસ ગુજરાતીમાં કરીને પત્રકારત્વ, સાહિત્ય અને પ્રુફ રીડિંગના ક્ષેત્રમાં કામ કર્યું છે. અત્યારે તે CNBC બિઝનેસ ન્યૂઝ ચેનલમાં અસિસ્ટંટ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે.

ઍસ.ઍન.ડી.ટી.ની કિંજલ નામની વિદ્યાર્થિની અનુસ્નાતકની પદવી મેળવ્યા પહેલાંથી જ Shipping કંપનીમાં કામ કરતી હતી. હવે એ કામની સાથોસાથ તે ગુજરાતી અનુવાદ, અનુલેખન, નાટકો વગેરે સાથે પણ જોડાયેલી છે.

CA થયેલા અને કૉચિંગ ક્લાસિસ ચલાવતાં કીર્તિદા બહેન પોતાનાં શિક્ષણના ૩૫ વર્ષ પછી ઍસ.ઍન.ડી.ટી.માં ગુજરાતી સાથે અનુસ્નાતકની પદવી મેળવવા કોવિડ સમયમાં જોડાયા હતા. તેમના મતે સાહિત્યનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરાવવામાં આવતા તેમનો પાયો મજબૂત બન્યો છે અને હવે તેમની Ph.D માટેની નોંધણી પણ થઈ ગઈ છે.

વળી, આમાંથી ઘણાં બધાં વિદ્યાર્થીઓએ પોતાનું શાળાનું શિક્ષણ પણ ગુજરાતીમાં જ મેળવ્યું છે.
આમ, ગુજરાતી ભાષાના શિક્ષણ દ્વારા, સર્જનાત્મક લેખન, શિક્ષણ, પત્રકારત્ત્વ, અનુવાદલેખન, પ્રુફ રીડિંગ, નાટક કે ફિલ્મોમાં અભિનય જેવી અનેક તકો વિદ્યાર્થીઓ માટે ખુલી જાય છે. વળી, નવી શિક્ષણ નીતિ અંતર્ગત બીજા વિષયોની જેમ ગુજરાતીનો અભ્યાસક્રમ પણ વ્યવસાયલક્ષી બની રહ્યો છે. તો શું હવે આપણો ગુજરાતી માટેનો પ્રેમ ફરી જાગશે? ગુજરાતી ભણેલો એક વિદ્યાર્થી શું કરી શકે તે ફરીથી દુનિયાને બતાવવા શું આપણે તૈયાર છીએ?

લેખીકા – પૂર્વી નીસર

In which stream a person can build career after studying in Gujarati medium

Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
Organ Donation : “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન
Exit mobile version