Site icon

શૈક્ષણિક સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે મલાડની આ ગુજરાતી શાળા; વર્ષોથી ચાલે છે સ્પોકન અંગ્રેજી સહિત આ વિવિધ પ્રવૃત્તિઓ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

આજના સમયની માગને ધ્યાનમાં રાખીને દરેક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. આ ક્રમમાં મુંબઈની ગુજરાતી શાળાઓ પણ અગ્રેસર છે. એનું ઉત્તમ ઉદાહરણ છે મલાડ પૂર્વની સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઈ સ્કૂલ, જે આજે પણ મલાડનાં ગુજરાતી બાળકોના કલરવથી ગુંજે છે.

આ શાળામાં ૨૦૧૫થી વૅકેશન દરમિયાન મુંબઈ ગુજરાતી સંગઠનની ટીમ દ્વારા સ્પોકન અંગ્રેજીના વર્ગો પણ લેવામાં આવે છે. આ વર્ગોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે અને શાળાના દરેક વિદ્યાર્થીને ખૂબ જ લાભ થયો છે. આ ઉપક્રમમાં વિદ્યાર્થી સહિત શાળાના શિક્ષકો અને આચાર્યોનો પણ સહભાગ રહ્યો છે. છેલ્લા દિવસે વાલીઓને પણ બોલાવવામાં આવે છે. વાલીઓ સામે બાળકો અંગ્રેજીમાં વિવિધ કૃતિઓ રજૂ કરે છે. ૨૦૧૯માં દરેક વિષય શિક્ષકે પોતે સ્પોકન અંગ્રેજી બાળકોને શીખવવા માટે પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી હતી. મલાડની આ શાળામાં આ સહિત વૅકેશન દરમિયાન સમરકૅમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

સમર કેમ્પ દરમિયાન બાળકોનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ સારો થાય એ માટે રમતગમત, ચિત્રકામ, કેલીગ્રાફી જેવી વિવિધ ઍક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન પણ રમતગમત પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે અને સ્કૂલનો સમય સમાપ્ત થયા બાદ રમતગમત માટે અલગથી સમય ફાળવવામાં આવે છે અને કોચ દ્વારા બાળકોને ગમતી રમતનું પણ પ્રશિક્ષણ આપવામાં આવે છે.

શાળામાં છ સ્માર્ટ ક્લાસરૂમ છે અને બીજા ક્લાસરૂમને પણ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. ઉપરાંત અત્યાધુનિક કૉમ્પ્યુટર લૅબ છે અને સાયન્સ લૅબને પણ અત્યાધુનિક બનાવવાનું કામ શરૂ છે. અહીં કૉમ્પ્યુટર પણ ઉત્તમ રીતે શીખવવામાં આવે છે. મોટી શ્રેણીથી જ બાળકો ટાઇપિંગ કરતાં થઈ ગયાં છે. લૉકડાઉન દરમિયાન શાળામાં નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીને ઉપયોગી વેબિનાર તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન પિકનિક પણ કરવામાં આવી હતી.

આ બાબતે વાત કરતાં પ્રાથમિક શાળાનાં આચાર્યા સંધ્યાબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમે શાળાના પ્રચાર-પ્રસાર માટે ઑનલાઇન વાલીસભા સહિત યુટ્યુબનો પણ ઉપયોગ કરીએ છીએ.” તેમ જ સ્પોકન અંગ્રેજી વિશે વાત કરતાં માધ્યમિક શાળાના આચાર્ય વિનોદ સરે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “સ્પોકન અંગ્રેજીથી બાળકોને ખૂબ લાભ થયો છે. અંગ્રેજી માટેનો ડર નીકળતાં હવે વિદ્યાર્થીઓ ફાંકડું અંગ્રેજી પણ બોલી શકે છે.”

ઉલ્લેખનીય છે કે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને સંચાલકો વિવિધ પ્રવૃત્તિઓ અને શાળાના વિકાસ માટે ઉત્સાહભેર કામ કરી રહ્યા છે. મલાડના કુરાર વિલેજ વિસ્તારની આ શાળા આજે પણ માતૃભાષા ગુજરાતીનો ડંકો વગાડી રહી છે.

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version