ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
આજના સમયમાં જોવા મળે છે કે વિદેશી ભાષાના માધ્યમમાં ભણતાં ઘણાં બાળકોને પોતાની માતૃભાષા લખતાં-વાંચતાં આવડતી નથી. આ સમસ્યા નિવારવાનું બીડું મુંબઈના ગોકુળિયા ગામ કહેવાતા કાંદિવલી વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ ઝડપ્યું છે. આ વાત છે નિકુંજ શેઠની, જેમણે આજથી ૨૧ વર્ષ પહેલાં વિદેશી માધ્યમનાં બાળકો પણ માતૃભાષા ગુજરાતી વાંચતાં-લખતાં શીખે એ માટેનું અભિયાન શરૂ કર્યું હતું અને આજે ગુજરાતી ભાષા શીખવવા માટે ૨૦૦થી પણ વધુ વર્ગો વિનામૂલ્યે ચલાવે છે.
આ પહેલને કારણે ૨૦૦૪માં ઊભી થઈ કાંદિવલીમાં ભાષા માટે કાર્યરત સંસ્થાઓમાંની એક ગુજરાતી બુદ્ધિવિકાસ મંચ એટલે કે ગુજરાતી ઇન્ટલેક્ચ્યુઅલ મંચ (GIM). ગુજરાતી માતૃભાષા ભણવા ઉપરાંત પણ આ સંસ્થા ઘણા બધા બીજા વર્ગો પણ ચલાવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પારાયણ અને તેની સમજ, રામાયણ, મહાભારત, ઉપનિષદ, જીવન મૂલ્યો, રિયલ ડેવલપમેન્ટ અને સનાતન ધર્મના વર્ગો આખા વર્ષ દરમિયાન ચલાવવામાં આવે છે. લોકડાઉન દરમિયાન પાંચ વર્ષના બાળકથી લઈને ૭૦ વર્ષના ભાઈઓ, બહેનોએ ગીતાના આખા અધ્યાય પાકા કર્યા હોય એવા ૬૦૦થી વધારે સાધકો ઊભા થયા છે.
વાત એમ છે કે ૨૦૦૦ની સાલમાં બિલ્ડિંગના સાંસ્કૃતિ કાર્યક્રમ દરમિયાન નિકુંજભાઈના ધ્યાનમાં આવ્યું કે બિલ્ડિંગના ઘણાં બાળકોને ગુજરાતી વાંચતાં આવડતું નથી. કાર્યક્રમ ગુજરાતીમાં થતા હતા, તો પણ તેની સ્ક્રિપ્ટ હિન્દી લિપિમાં લખવામાં આવતી, જેથી બાળકો હિન્દી લિપિ દ્વારા ગુજરાતી વાંચી શકે. ત્યાર બાદ તેમણે અને તેમનાં પત્નીએ પોતાના બિલ્ડિંગથી જ ગુજરાતી ભાષા શીખવવાની શરૂઆત કરી અને ધીમે-ધીમે આ ક્રમ આગળ વધ્યો અને લોકો જોડાતા ગયા.
શરૂઆતના સમયમાં નિકુંજભાઈ, તેમનાં પત્ની અને પુત્ર વિવિધ શાળા, બિલ્ડિંગો, ક્લાસીસ અને ગાર્ડનની બહાર જઈ આ વર્ગોના પ્રચાર-પ્રસાર માટે પેમ્પ્લેટ આપતા. માતૃભાષા સાથે બાળકોમાં સંસ્કારનું પણ સિંચન થતું ગયું અને આગળ જતાં આ કાર્યની લોકો તરફથી સરાહના થવા લાગી. આ કાર્યમાં લોકો સેવા આપવા માટે જોડાતા ગયા.
આ સંદર્ભે વાત કરતાં નિકુંજભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “બાળકોની બુદ્ધિનો વિકાસ માતૃભાષાથી જ થાય છે. જો બાળક માતૃભાષાથી દૂર થાય તો તે માતૃભૂમિને અને આખરે પોતાની માને પણ ભૂલી જશે.” નિકુંજભાઈએ માર્કેટિંગમાં એમબીએ કર્યું છે અને સાથોસાથ છ વર્ષથીઅધ્યાત્મનો પણ અભ્યાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે આજે આ વર્ગોમાં દેશ-વિદેશથી બાળકો જોડાય છે. હાલમાં કુલ ૨૦૦ વર્ગોમાં ૨,3૦૦થી વધુ બાળકો ગુજરાતી ભાષા શીખી રહ્યાં છે. પહેલી જૂનથી અધ્યાત્મના વર્ગો પણ શરૂ થવાના છે. ઉપરાંત બાળકોના વાલીઓ સાથે પણ સભા ભરવામાં આવે છે, જેથી વાલીઓને પણ બાળકના વિકાસમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવી શકાય.
જો આપ કે આપનું બાળક આ વર્ગોમાં જોડવા માગતું હોય તો નીચેના નંબર પર સંપર્ક કરી જોડાઈ શકો છો.
