નેહા ઠક્કર અને તેમણે બનાવેલી વાનગીઓ
લીલી મકાઈનો ચેવડો
સામગ્રી : ૧ કિલો લીલી મકાઈ, ૩ ટેબલસ્પૂન તેલ, ૧/૨ ટી-સ્પૂન રાઈ, અડધી ચમચી તજ-લવિંગનો પાઉડર, ૭-૮ નંગ મીઠા લીમડાનાં પાન, ૧ ટેબલસ્પૂન સફેદ તલ, ૫ નંગ વાટેલાં લીલાં મરચાં, ૧ કપ દૂધ, મીઠું સ્વાદ અનુસાર, ૧ ટેબલસ્પૂન ખાંડ, ૧ ટી-સ્પૂન લીંબુનો રસ, ગાર્નિશિંગ માટે, સમારેલા લીલા ધાણા, કોપરાનું છીણ
રીત : સૌપ્રથમ મકાઈને છોલીને છીણી લેવી. એક પૅનમાં તેલ લઈ ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરવી. તતડે એટલે મીઠા લીમડાનાં પાન ઉમેરી હલાવવું.
પછી છીણેલી મકાઈ અને વાટેલાં લીલાં મરચાં ઉમેરી હલાવી છીણને ૭-૮ મિનિટ સાંતળો. કલર સહેજ બદલાય પછી એમાં મીઠું અને દૂધ ઉમેરી હલાવી થવા દેવું.
વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. દૂધ બળી જાય પછી એમાં લીંબુનો રસ, ખાંડ, તજ-લવિંગનો પાઉડર અને સમારેલા લીલા ધાણા ઉમેરી હલાવી ૨-૩ મિનિટ થવા દેવું.
ગૅસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર સમારેલા લીલા ધાણા અને કોપરાના છીણથી ગાર્નિશ કરી સર્વ કરવો.
લીલી મકાઈની પૂરણપોળી
સામગ્રી : ૬ નંગ મકાઈ, ૧ બાઉલ ખાંડ, બે વાટકી ફુલ ફૅટ દૂધ, ૫ ટીસ્પૂન તાજી મલાઈ, બે બાઉલ ઘઉંનો લોટ, ૧ ચમચી તેલ, ઘી જરૂર મુજબ, ઇલાયચી, જાયફળ, બદામ જરૂર મુજબ, ખસખસ, કાજુ, કેસર જરૂર મુજબ, પાણી જરૂર મુજબ રીત : સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. ઘઉંના લોટમાં તેલનું મોણ નાખી લોટ બાંધી લો. મકાઈ છોલી દાણા કાઢી વરાળે બાફી લો. કાજુ-બદામનો એકદમ બારીક પાઉડર કરી લો. ઇલાયચી, જાયફળનો પાઉડર બનાવી લો.
હવે બાફેલા દાણાને મિક્સરમાં દૂધ નાખીને એકદમ બારીક પીસી લો અને લોટ ચાળવાના ચાળણા વડે ચાળી લો જેથી એના રેસા નીકળી જાય.
હવે પૅનમાં ઘી મૂકી મકાઈની પેસ્ટ શેકો. લચકા જેવું થાય એટલે એમાં મલાઈ ઉમેરી દો. મિશ્રણ એકદમ ઘટ્ટ થાય અને પૅનને છોડવા લાગે એટલે ખાંડ નાખી હલાવો.
ઘટ્ટ થાય એટલે બે ચમચી દૂધમાં કેસર મિક્સ કરી ઉમેરી દો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે વચ્ચે તવેથો ઊભો રાખીને ચેક કરી લો. હવે ગૅસ પરથી ઉતારી એમાં ઇલાયચી, કાજુ, બદામ, ખસખસ નાખી એને ઠંડું થવા દો. હવે ઘઉંના લોટની પૂરી વણી એમાં પૂરણ મૂકી કચોરીની જેમ પૅક કરી પૂરણપોળી વણી લો.
ત્યાર બાદ પૂરણપોળીને તાવડી પર ધીમા ગૅસ પર શેકી લો. બસ, હવે તૈયાર થયેલી પૂરણપોળીને ઘી લગાવીને સર્વ કરો.
લીલી મકાઈનો હલવો
સામગ્રી : ૫૦૦ ગ્રામ લીલી મકાઈ, ૭૫૦ ગ્રામ દૂધ, ૫-૬ ટેબલસ્પૂન ઘી, ૨૫૦ ગ્રામ ખાંડ, ૨૦૦ ગ્રામ મોળો માવો, ૧ ટીસ્પૂન ઇલાયચીનો પાઉડર, ૧ કપ કાજુ, બદામ, પિસ્તાંની કતરી રીત : મકાઈને છીણીથી છીણી લેવી.
એક પૅનમાં ૩ ટેબલસ્પૂન ઘી ગરમ કરી એમાં મકાઈની છીણ નાખી ૩-૪ મિનિટ સાંતળી, સાઇડમાં રાખવી.
એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધમાં ઊભરો આવે પછી ધીમા તાપે દૂધને ઉકાળવું.
દૂધ થોડું ઊકળે પછી એમાં મકાઈનું છીણ નાખી મિક્સ કરી, મીડિયમ તાપે છીણને ચડવા મૂકવી.
થોડી-થોડી વારે દૂધને હલાવતા રહેવું જેથી છીણ વાસણમાં નીચે ચોંટે નહીં.
દૂધ બળી જાય અને છીણ બરાબર ચડી જાય એટલે એમાં ખાંડ ઉમેરવી.
પછી માવો અને ઘી નાખી, મિક્સ કરવું.
પછી એમાં ઇલાયચી-જાયફળનો ભૂકો અને થોડાં કાજુ, બદામ, પિસ્તાંની કતરી નાખવાં.
હલવો બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવો.
એક બાઉલ હલવો કાઢી એની ઉપર કાજુ, બદામ, પિસ્તાંની કતરી નાખી સજાવવું.
કર્જતના સૉલ્ટ રેસ્ટોરાંમાં મળતા ક્રીમી કૉર્ન સ્મૉલ સમોસા.
ઝરમર વરસાદમાં મકાઈના ભુટ્ટા દરેક ગલી-નુક્કડની પાસે મળી રહેશે એમ છતાં મુંબઈમાં કેટલાક એવા ચૌરાહા છે જ્યાં લોકો દૂર-દૂરથી ખાસ ભુટ્ટા ખાવા માટે ગાડીઓ અને ટૂ-વ્હીલર લઈને પહોંચી જાય છે. નરીમાન પૉઇન્ટ બાજુ જો તમે ફરતા હો તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સામે રોડના ડિવાઇડર પર એક ભુટ્ટાવાળો છે જ્યાં તમને મર્સિડીઝ, જૅગ્વાર અને બીએમડબ્લ્યુ લઈને ભટ્ટા ખાવા આવનારાઓની ભીડ દેખાશે. અહીં તમને ભુટ્ટામાં બહુ વરાઇટી નથી મળતી. માત્ર શેકેલા, બાફેલા ભુટ્ટા પર ભરપૂર બટર સાથે સૉલ્ટ-મિર્ચી અને લીંબુ લગાવેલું મળશે. જ્યારે જુહુના ઇસ્કૉન ટેમ્પલની બહારથી દરિયા તરફ જવાની ગલી પાસે પણ એક ભુટ્ટાવાળો છે જેને ત્યાં તમને ખાસ્સી ભીડ જોવા મળશે. ગોરેગામમાં સિનેમૅક્સની સામેની ગલીમાં એક સ્વીટકૉર્નવાળો છે જે ૩૧ વર્ષ પહેલાં લારી પર ભુટ્ટા વેચતો હતો.
લીલી મકાઈનો હાંડવો
સામગ્રી : ૪ અમેરિકન મકાઈ, બે કપ રવો, લીલાં મરચાં, નાનો આદુંનો ટુકડો મીઠો લીમડો, ચમચી તલ, ૧ કપ ગાજર છીણેલું, ૧ કપ કોબીજ સમારેલી, લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧ કપ કોથમીર બારીક સમારેલી, ૧ કપ દહીં, જરૂરિયાત મુજબ તેલ, બે-ત્રણ સૂકાં લાલ મરચાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું પાઉડર રીત : સૌપ્રથમ મકાઈને સારી રીતે છોલી લો.
હવે મકાઈના દાણા કાઢી એને એક મિક્સરના બાઉલમાં ઉમેરો. એમાં જરૂરિયાત મુજબ લીલાં મરચાં અને આદુંનો ટુકડો, લીમડાનાં પાન નાખી એની પેસ્ટ બનાવી લો.
હવે મકાઈની પેસ્ટમાં રવો ઉમેરી સારી રીતે મિક્સ કરી એમાં દહીં ઍડ કરી એને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો. ત્યાર બાદ એમાં બધાં વેજિટેબલ્સ ઉમેરો.
હવે બધું સારી રીતે મિક્સ કરી મીઠું, હળદર, લાલ મરચું પાઉડર બધું ઉમેરી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી સેટ કરો. આ બૅટરને થોડુંક થિક જ રાખવાનું છે.
હવે એક વઘારિયામાં ત્રણ-ચાર ચમચી તેલ મૂકી એમાં રાઈ, જીરું, હિંગ, તલ, મીઠો લીમડો ઉમેરી જીરું તતડી જાય ત્યાર બાદ આ વઘારને તૈયાર ખીરામાં ઉમેરી સારી રીતે હલાવો. હવે એક મોટા નૉન-સ્ટિક પૅનમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાં અડધી ચમચી તલ ઍડ કરી બૅટર ઉમેરી સારી રીતે ફેલાવી દો. ઉપરની સાઇડ લાલ મરચાંની પાતળી ચીરી અને થોડા મકાઈના દાણા તેમ જ તલ ઉમેરો. દેખાવ અને સ્વાદ બન્ને ખૂબ સરસ લાગશે.
બંને તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી હાંડવાને કુક કરી લો. ચટણી અને કેચપ સાથે સર્વ કરો.
કૅફે ડ્યુકોની બેબી ઇલોટે.
આજે તેણે દુકાન બનાવી દીધી છે અને અહીં તમને શેકેલા-બાફેલા ભુટ્ટાને તમે કલ્પના પણ ન કરી હોય એવા જાતજાતના સૉસ સાથે ઘમરોળીને લગભગ ૫૦થી વધુ ફ્લેવરની કૉર્ન ખાવા મળશે. અહીં બેબી કૉર્ન ભૂંજીને પણ મળે છે. ફાઇન ડાઇન રેસ્ટોરાં કે કૅફેની વાત કરીએ તો અમે અત્યાર સુધીમાં જ્યાં-જ્યાં પણ ફૂડ ટ્રાય કર્યું એમાંથી બે ડિશ એકદમ જ ઊડીને આંખે વળગે એવી હતી. બાંદરા-વેસ્ટની ટચુકડી કૅફે ડ્યુકોમાં બેબી ઇલોટે નામની ડિશ છે જેમાં તમને બેબી કૉર્નને ભૂંજીને કૉર્નમાંથી જ બનાવવામાં આવેલા બટરમાં મૅરિનેટ કરીને સર્વ થતી ડિશ ચારે કોઠે દીવા કરી દે એવી છે. આ ઉપરાંત લૉન્ગ ડ્રાઇવ પર જતી વખતે કર્જત પાસે આવેલા ઓલીએન્ડર ફાર્મની સૉલ્ટ રેસ્ટોરાંમાં એક ચીઝ કૉર્ન સમોસેટ ખાધેલાં જે દિલખુશ કરી દે એવાં હતાં. સ્વીટ કૉર્નનો મજાનો સ્પાઇસી અને ચીઝી માવો ભરીને તૈયાર કરવામાં આવેલાં ક્રિસ્પી સ્મૉલ સમોસાં વરસાદની સીઝનમાં જીભ અને પેટ બન્નેને ખુશ કરી દેશે.
