ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
UAE અને ઓમાનમાં 17 ઑક્ટોબરથી T-20 વર્લ્ડ કપની શરૂઆત થશે. આ મહત્ત્વની સ્પર્ધા માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરોની નિમણૂક કરવામાં આવી છે. એમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારના ખભા ઉપર બોલિંગની જવાબદારી છે. હાર્દિક પંડ્યાની ઑલરાઉન્ડર પ્લેયર તરીકે નિમણૂક કરાઈ છે, પણ હાલમાં UAEમાં રમાતી IPLમાં તેણે બોલિંગ કરી નથી. એથી હવે ટીમ ઇન્ડિયામાં પંડ્યાની જગ્યાએ શાર્દુલ ઠાકુર અને દીપક ચહરમાંથી એકને મોકો મળે એવી શક્યતા નિર્માણ થઈ છે.
BCCIનાં સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ હાર્દિક પંડ્યા બેટિંગ સહિત બોલિંગ પણ કરી શકે છે. આ બાબત ધ્યાનમાં રાખીને કમિટીએ ફક્ત ત્રણ ફાસ્ટ બોલરોની નિમણૂક કરી છે પણ IPLમાં હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી નથી. એથી તેના ફોર્મ વિશે કહી શકાય નહીં. હાલમાં કમિટીનું ધ્યાન તેની ફિટનેસ ઉપર છે. શાર્દુલ ઠાકુર અને દીપક ચહર બંને ખેલાડીઓને સ્ટૅન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરવામાં અસમર્થ જણાશે તો આ બન્નેમાંથી કોઈ એકને ટીમ ઇન્ડિયાની ટિકિટ મળશે.
