News Continuous Bureau | Mumbai
T20 World Cup 2026 વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાના કારણો આગળ ધરીને પોતાની મેચો ભારતથી શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ કરી હતી. જોકે, તાજેતરના અહેવાલો મુજબ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશની આ વિનંતીને ફગાવી દીધી છે અને તેમને નિર્ધારિત શેડ્યૂલ મુજબ જ રમવા માટે આદેશ આપ્યો છે.
કોલકાતા અને મુંબઈમાં જ રમાશે મેચો
બાંગ્લાદેશે ખેલાડીઓની સુરક્ષા અને ભારત-બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ભારતનો પ્રવાસ ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ, ICC એ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશે તેના ગ્રુપ સ્ટેજની મેચો કોલકાતા અને મુંબઈમાં જ રમવી પડશે. વેન્યુ બદલીને શ્રીલંકા શિફ્ટ કરવામાં આવશે નહીં. ICC એ ચેતવણી આપી છે કે જો બાંગ્લાદેશ શેડ્યૂલ મુજબ નહીં ચાલે તો તેની અસર ટુર્નામેન્ટમાં તેમની ભાગીદારી પર પડી શકે છે.
મુસ્તફિઝુર રહેમાન અને IPL વિવાદ
બાંગ્લાદેશ દ્વારા વેન્યુ બદલવાની માંગ પાછળ તાજેતરનો IPL વિવાદ હોવાનું માનવામાં આવે છે. IPL 2026 ના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં ભારતમાં મુસ્તફિઝુરને હટાવવાની માંગ ઉઠી હતી. ત્યારબાદ BCCI ના નિર્દેશ પર KKR એ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આ ઘટનાને બાંગ્લાદેશે પોતાનું અપમાન ગણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.
બાંગ્લાદેશના ખેલ મંત્રાલયનો વળતો પ્રહાર
મુસ્તફિઝુરને IPL માંથી બહાર કરવામાં આવતા બાંગ્લાદેશના ખેલ મંત્રાલય અને ક્રિકેટ બોર્ડે તાકીદની બેઠક બોલાવી હતી અને ICC ને વેન્યુ બદલવા માટે ઈમેલ કર્યો હતો. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે રમતગમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ અને સુરક્ષાની જવાબદારી યજમાન દેશ (ભારત) ની છે. હવે જોવાનું એ રહેશે કે ICC ના આ કડક વલણ બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ શું પ્રતિક્રિયા આપે છે અને શું તેઓ ભારતનો પ્રવાસ ખેડશે કે નહીં.
