ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જાન્યુઆરી 2022
શનિવાર
મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ લોકોએ અરજીઓ મોકલવાનું શરૂ કર્યું હતુ, પરંતુ હવે આ અરજીઓ સરકાર માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે સરકાર પાસે વધુ અરજીઓ આવી રહી છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ૫૦ હજારથી વધુ ખોટી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હાલમાં એક લાખ ૧૦ હજાર અરજીઓ મંજૂર કરવાની બાકી છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકાર પાસે ૧૮ જાન્યુઆરી સુધીમાં ૨.૧૭ લાખ અરજીઓ આવી છે, જે રાજ્યમાં મૃત્યુના કેસ કરતાં ૩૪ ટકા વધુ છે.
રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જે અરજીઓ આવી છે તેમાંથી ૩૦ ટકા અરજીઓ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યુ છે. અમને ૨.૧૭ લાખ અરજીઓ મળી છે, તેનો અર્થ એ નથી કે રાજ્યમાં કોરોનાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે કે લોકો વળતરની રકમ મેળવવા માટે ખોટી અરજીઓ મોકલી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧.૧૦ લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે. તેમાંથી ૧.૦૧ લાખ લોકોને વળતર મળી ચૂક્યું છે. અત્યાર સુધી મળેલી અરજીઓ અનુસાર લગભગ ૧.૫ લાખ અરજીઓ સાચી હોવાનું જાણવા મળે છે.