ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
નાસિકમાં ભારતીય ચલણી નોટોના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખની નોટો ગાયબ થવાના મામલે હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાંચ લાખની નોટ ચોરી થઈ જ નથી. પ્રિન્ટિંગ પ્રેસમાં, કર્મચારીઓએ આકસ્મિક રીતે રેક બદલી નાખ્યો હતો, એથી આ ગડબડ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 12 ફેબ્રુઆરી,2021ના રોજ 160 નંબરનું એક પૅકેટ ગુમ થયું હતું.
જોકેઆ મામલે આંતરિક તપાસમાં કંઈ ન મળતાં પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી ત્યારે પોલીસે બે સુપરવાઇઝરોને ઠપકો આપ્યો હતો. પાંચ લાખ રૂપિયાની રેકને કટપેક વિભાગના બે સુપરવાઈઝરો દ્વારા બદલવામાં આવી હતી. બંનેએ પોલીસને જણાવ્યું હતું કે આ રેક્સ આકસ્મિક રીતે બદલાઈ ગઈ હતી,એથી પાંચ લાખનો હિસાબ મળતો નહોતો. આ મામલે હવે કરન્સી પ્રેસે આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ માનવ ભૂલ છે કે ઇરાદાપૂર્વકનું કૃત્ય છે અને શું આ કેસમાં સિનિયર મૅનેજર પણ સામેલ છે કે કેમ એની પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે નાસિકમાં સંબંધિત ચલણી નોટ પ્રેસમાં ભારતીય ચલણી નોટો છાપવામાં આવે છે. વર્ષે બેથી અઢી હજાર મિલિયન રૂપિયાની નોટો અહીં છાપવામાં આવે છે. એથીફૅક્ટરીને એક અદ્યતન સુરક્ષા પ્રણાલી આપવામાં આવી છે. સુરક્ષાની આટલી વ્યવસ્થા છતાં પૈસાનો હિસાબ ન મળતાં વહીવટીતંત્ર આશ્ચર્યચકિત થઈ ગયું હતું.