ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
પૂરા દેશને હચમચાવી નાખનારા બાળકોના અપહરણ અને તેમના હત્યા કેસની આરોપી બે બહેનોની ફાંસીની સજાને મરે ત્યાં સુધીની જન્મટીપની સજામાં ફેરવી નાખવામાં આવી છે. બોમ્બે મુંબઈ હાઈકોર્ટે આજે નવ બાળકોની હત્યા કરનાર ગાવિત બહેનોને આજીવન કેદની સજા આપવાનો નિર્ણય લીધો છે.
હાઈકોર્ટે ગાવિત બહેનોની ફાંસીની સજા રદ કરવાની માંગણી સ્વીકારી છે. મહારાષ્ટ્રમાં1990 ના દાયકાના હત્યાકાંડના આરોપી કોલ્હાપુરની બે બહેનો સીમા ગાવિત અને રેણુકા શિંદેએ તેમની માતા અંજનાબાઈ ગાવિતની મદદથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી 13 બાળકોનું અપહરણ કર્યું હતું અને તેમાંથી નવની હત્યા કરી હતી. આ બહેનોને 2001માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જો કે, ગાવિત બહેનોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને દાવો કર્યો હતો કે 20 વર્ષ પછી પણ સજાની અમલમા મૂકવામાં આવી નથી તેથી તેમની ફાંસીની રજાને રદ કરવામાં આવે.
રેણુકા શિંદે અને સીમા ગાવિતે મુંબઈ હાઈકોર્ટમાં 20 વર્ષ પહેલા તેમને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને રદ કરવા માટે અરજી કરી હતી. બંનેની માતા, આ કેસની મુખ્ય આરોપી, અંજનાબાઈ ગાવિત, તેણીની સજા ભોગવતી વખતે જેલમાં મૃત્યુ પામી હતી. ગાવિતની દયા અરજીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2014માં ફગાવી દીધી હતી. બંને બહેનોએ આ કેસમાં દયા મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. લગભગ આઠ વર્ષ સુધી બંને બહેનોની દયાની અરજી રાષ્ટ્રપતિની ઓફિસમાં પડી રહી હતી. આ બંને બહેનો જેવા અન્ય 20 કેસ પણ છે, જેમાં કોર્ટે આરોપીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ગાવિતના વકીલોએ કોર્ટમાં પુરાવા આપ્યા છે.