ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લખીમપુર જતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તે હજુ સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં નજરકેદ છે. તેમને હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા છોડવામાં આવ્યા નથી, પરંતુ જ્યાં તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે, તે ગેસ્ટ હાઉસના રૂમ પર સતત ડ્રોન ફરતા હોવાના મુદ્દે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું કે, ‛30 કલાકથી વધુ સમયથી નજરકેદ હેઠળ રાખેલ પ્રિયંકા ગાંધીના રૂમ પર આ ડ્રોન કોનું છે અને શા માટે છે? કોણ જવાબ આપશે?’
બીજી બાજુ, યુપીના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું, ‛પ્રિયંકા વાડ્રા ડ્રોન સર્વેલન્સ પર આટલો હંગામો કેમ કરી રહી છે? કદાચ તે સમજી શકતી નથી કે ગ્રાઉન્ડ ફોર્સ સર્વેલન્સ પર તકનીકી સંપૂર્ણ સ્વીકાર્ય માનદંડ છે.
સીતાપુરમાં પીએસી ગેસ્ટ હાઉસમાં પ્રિયંકાની અટકાયત સામે કોંગ્રેસ સમર્થકો સતત વિરોધ કરી રહ્યા છે, તેથી રાહુલ ગાંધીએ પણ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ તેની નાની બહેન પ્રિયંકા ગાંધીની અટકાયત પર ટ્વિટ કર્યું હતું કે, “જેને કસ્ટડીમાં રાખવામાં આવી છે તે ડરતી નથી. તે સાચી કોંગ્રેસી છે, હાર નહીં માને! સત્યાગ્રહ અટકશે નહીં.”
કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસા કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને પ્રશ્ન કર્યો છે કે અન્નદાતાને કચડી નાખનાર વ્યક્તિની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. આ સાથે પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું કે તેમને છેલ્લા 28 કલાકથી કોઈ પણ આદેશ અને FIR વગર કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. શા માટે?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, જેઓ સોમવારે વહેલી સવારે લખીમપુર ખીરીના તિકોનિયા વિસ્તારમાં ચાર ખેડૂતોના મોતના મામલે ઘટનાસ્થળે જઈ રહ્યા હતા ત્યારે સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી, તેમણે પીડિત ખેડૂતોના પરિવારોને મળ્યા વગર પરત નહિ ફરવાનું એલાન કર્યું છે.