ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોરોનાની ત્રીજી લહેરના જોખમ વચ્ચે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી થવાની છે. જોકે ગણેશોત્સવની ઉજવણી સંપૂર્ણ રીતે કોરાનાને લગતા નિયમોનું પાલન કરીને જ કરવામાં આવશે એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. એ અંતર્ગત ગણેશવિસર્જનમાં વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. ગણેશમૂર્તિનું વિસર્જન મુંબઈ મનપાના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવશે. તેમ જ ગણેશોત્વસની ઉજવણી સાદાઈથી કરવાની મંજૂરી હોવાથી વિસર્જન દરમિયાન સરઘસ કાઢવાની મંજૂરી પણ આપવામાં આવી નથી.
કોરોનાને પગલે ગયા વર્ષે સાદાઈથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એમાં ગણેશમૂર્તિના વિસર્જનની મંજૂરી આપવામાં આવી નથી. ઘરના તેમ જ સાર્વજનિક મંડળોની મૂર્તિનું વિસર્જન પાલિકા દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ વર્ષે જોકે કોરોના નિયંત્રણમાં હોવાથી વેક્સિનના બંને ડોઝ લેનારા સાર્વજનિક ગણેશ મંડળના લોકોને વિસર્જનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ ચોપાટીઓ પર વિસર્જનની મંજૂરી આપવામાં આવી છે.
કોરોના નિયંત્રણમાં હોવા છતાં નિયમોનું પાલન કરીને ગણેશોત્સવની ઉજવણી કરવાની છે. એથી આ વર્ષે પણ સાર્વજનિક મંડળોને ચાર ફૂટની અને ઘરના ગણપતિની મૂર્તિ બે ફૂટની રહેશે. સાર્વજનિક મંડપમાં ભીડ થાય નહીં એની જવાબદારી મંડળોની રહેશે. નાનાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોને વિસર્જનમાં ભાગ લેવાની મંજૂરી નહીં હોય. મોટાં ગણેશ મંડળોને ઑનલાઇન દર્શનની વ્યવસ્થા રાખવાની રહેશે. જોકે મંડળમાં પ્રત્યક્ષ રીતે ભક્તો દર્શન કરી શકશે કે નહીં એ બાબતનો નિર્ણય હજી સુધી રાજ્ય સરકારે લીધો નથી.
