ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
પેટ્રોલ-ડીઝલના વધતા અસહ્ય ભાવ તથા પર્યાવરણને ધ્યાનમાં રાખી સરકાર ઇલેક્ટ્રિક વાહનોની પૉલિસી અમલમાં મૂકી છે. ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની સાથે એના માટે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરનારી હાઉસિંગ સોસાયટીને પણ પ્રોત્સાહન રૂપે પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
તાજેતરમાં જ રાજ્ય સરકારે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન પૉલિસી (2021)ને માન્યતા આપી છે. જે હેઠળ વધુ ને વધુ લોકોને ઈ-વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની મોટા પ્રમાણમાં આવશ્યકતા ઊભી થશે. એ માટે હાઉસિંગ સોસાયટીઓ પોતાના પરિસરમાં કર્મશિયલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે, તેમને પ્રૉપર્ટી ટૅક્સમાં કર્મશિયલ રેટને બદલે ઘરગથ્થુ દરે પ્રૉપર્ટી ટૅક્સ ચાર્જ કરવામાં આવશે.
બિલ્ડિંગના માલિક પોતના ખુદના ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરશે અને આ ચાર્જિંગ સ્ટેશનથી અન્ય ઇલેક્ટ્રિક વાહનધારકોને ચાર્જિંગની સગવડ આપશે તેમને પ્રૉપર્ટી ટૅક્સમાં લગભગ બે ટકા સુધીની છૂટ આપવામાં આવશે.
હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગની જગ્યા સિવાયના પરિસરમાં સોસાયટીના સભ્યોને ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરી આપે તો તેમને પ્રૉપર્ટી ટૅક્સમાં પાંચ ટકાની છૂટ આપવાની પણ સરકારે જાહેરાત કરી છે.
