ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જૂન ૨૦૨૧
મંગળવાર
લક્ષદ્વીપમાં સ્થાનિક લોકોએ ઍડ્મિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને હટાવવાની માગ ઉગ્ર બનાવી છે. સ્થાનિક લોકોએ સોમવારે પાણીની અંદર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે અન્ય લોકો તેમના ઘરની બહાર ૧૨ કલાકના ઉપવાસ પર ઊતરી ગયા હતા. વિરોધીઓએ અરબી સમુદ્રમાં અને તેમના ઘરની બહાર‘સેવ લક્ષદ્વીપ ફોરમ’ના બૅનર હેઠળ પ્રદર્શન કર્યું હતું.
લક્ષદ્વીપ અને કેરળના વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે પ્રફુલ પટેલે મુસ્લિમ બહુમતી ટાપુમાં દારૂના વપરાશ પરના પ્રતિબંધને હટાવ્યો છે અને માંસ પરના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો, પશુઓને રક્ષણ આપ્યું હતું અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોના શેડ તોડી પાડવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે પ્રફુલ પટેલે કોસ્ટગાર્ડ ઍક્ટનું ઉલ્લંઘન કર્યું છે.
જોકે, ભાજપે ઍડ્મિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલનો બચાવ કર્યો હતોઅને દાવો કર્યો હતો કે વિપક્ષ ભ્રષ્ટ વ્યવહાર ખતમ કરવા અને વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં વિરોધ કરી રહ્યું છે. દરમિયાન યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ કેરળના સાંસદોએ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત 'લોકવિરોધી કાયદો' પાછો ખેંચવાની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપ આઈ.યુ.એમ.એલ.ના ભૂતપૂર્વ સાંસદ હમદુલ્લા સૈયદે મીડિયાને કહ્યું હતું કે આજે ટાપુવાસીઓએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, લગભગ તમામ મથકો, દુકાનો અને વ્યાવસાયિક મથકો બંધ રહ્યાં હતાં, લગભગ ટાપુના તમામ લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.