ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં એક સમયે સત્તાધારી પાર્ટી શિવસેનાની શાખ હતી. શિવસેના સુપ્રીમો બાળ ઠાકરના અવસાન બાદ જોકે છેલ્લાં વર્ષોમાં શિવસેનાનો જે રુતબો, તેનો ડર લોકોમાં હતો એ ઓછો થઈ રહ્યો હોવાનું જણાઈ આવે છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, કૉન્ગ્રેસ અને NCP સાથે મહાવિકાસ આઘાડીની સરકાર ચલાવી રહી છે. છતાં શિવસેના પક્ષને મળતા ડોનેશનમાં લગભગ 15.57 ટકાનો ઘટાડો થયો છે.
હિંદુત્વનો ઝંડો ફરકાવનારી શિવસેનાને છેલ્લાં થોડાં વર્ષોથી મળતા ડોનેશનમાં ઘટાડો થયો છે, જે પક્ષ માટે ચિંતાજનક બાબત છે. 2019ની 28 નવેમ્બરથી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બન્યા હતા. એ વર્ષમાં એટલે કે 2019-20માં આર્થિક વર્ષમાં સેનાને ફક્ત 114.40 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. એમાં 105.65 કરોડ રૂપિયા ડોનેશન અને ગ્રાન્ટ મારફતે, 25.39 લાખ રૂપિયા ફી અને રજિસ્ટ્રેશનરૂપે તો 5.50 કરોડ રૂપિયા અન્ય સ્રોત મારફત મળ્યા હતા.
છેલ્લાં બે વર્ષમાં શિવસેનાએ લગભગ 100 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ઇલેક્ટ્રોલ બૉન્ડ મારફત ડોનેશનમાં મેળવી હતી. 2019-20માં 36.70 ટકા એટલે કે લગભગ 40.98 કરોડ રૂપિયાની આવક શિવસેનાને ઇલેક્ટ્રોલ બૉન્ડથી થઈ હતી.
ઇલેક્શન કમિશનના જણાવ્યા મુજબ આર્થિક વર્ષ 2018-19માં શિવસેનાને 135.50 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું, એમાં 60.40 કરોડ રૂપિયા પાર્ટીને ઇલેક્ટ્રોલ બૉન્ડથી મળ્યા હતા. આર્થિક વર્ષ 2019-20માં લગભગ 114 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. શિવસેનાને મળેલી દાનની રકમ સામે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેણે 24.31 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.