News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના પ્રભાદેવી વિસ્તારમાં શનિવારે મધરાતે શિંદે જૂથ(Shinde Group)ના કાર્યકર્તાઓ અને ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray Group)ના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમયે બંને જૂથના કાર્યકરો ભારે આક્રમક જોવા મળ્યા હતા. પોલીસે બાદમાં 25થી વધુ શિવસૈનિકો(Shivsainik) સામે ફરિયાદ નોંધી તેમને અટકાયતમાં લીધા હતા. બાદમાં છોડી મૂકાયેલા આ શિવસૈનિકો રવિવારે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.
આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ આ તમામ શિવસૈનિકોની પ્રશંસા કરી હતી. તેથી એવું ચર્ચાઈ રહ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપના અને તેમના શિવસૈનિકો વચ્ચે થયેલી ધમાલને સમર્થન આપ્યું છે.
શિવસૈનિકો રવિવારે ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે(Aditya Thackeray) પણ ત્યાં હાજર હતા. શનિવારે થયેલા હિંસક બનાવમાં ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી મહત્વની ભૂમિકા ભજવનાર મહેશ સાવંત(Mahesh Sawant)ને ઉદ્ધવ ઠાકરેની બાજુમાં બેઠક આપવામાં આવી હતી. બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ શિવસૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ
જે બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. તે સમયે ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓના વખાણ કર્યા હતા અને શિંદે જૂથના કાર્યકર સંતોષ તેલવણે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે મહેશ સાવંતની ભરપેટ પ્રશંસા કરી હતી.
આ દરમિયાન દાદર પોલીસે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સરવણકર પર તેમની પિસ્તોલમાંથી ફાયરિંગ કરવાનો આરોપ છે અને પોલીસે તેમની પિસ્તોલ જપ્ત કરી લીધી છે. પરંતુ સદા સરવણકરે કહ્યું છે કે તેમની સામેના આ આરોપો ખોટા છે અને આ તેમની વિરુદ્ધનું કાવતરું છે.
