ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
જમ્મુના રાજૌરીથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજૌરીના નૌશેરામાં ભીખ માગીને ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાંથી આશરે 2,60,000 રૂપિયા મળી આવ્યા છે. વહીવટીતંત્ર 70 વર્ષીય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમમાં લઈ ગયું હતું અને જ્યારે ઝૂંપડી તોડવામાં આવી રહી હતી ત્યારે આ પૈસા મળી આવ્યા હતા. આ મહિલા ૩૦ વર્ષથી રસ્તાની બાજુમાં ફાટેલી તાડપત્રી અને તૂટેલા લાકડાની બનેલી ઝૂંપડીમાં રહેતી હતી.
તો શું 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જશે? જાણો વધુ વિગત
હકીકતમાં હાલ રાજૌરી જિલ્લાના વહીવટીતંત્રે રસ્તાઓ પર રહેતા નિરાધાર લોકોને સહાય આપવા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આવા લોકોને આશ્રયસ્થાનો અને વૃદ્ધાશ્રમમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં વૃદ્ધાશ્રમના લોકો આવ્યા હતા અને આ વૃદ્ધ મહિલાને પોતાની સાથે લઈ ગયા હતા. જ્યારે પાલિકા રસ્તાની બાજુની ઝૂંપડી દૂર કરવા ગઈ ત્યારે પાલિકાના કર્મચારીઓને સફાઈ કરતી વખતે ઝૂંપડીમાંથી પૈસા મળી આવ્યા હતા. જ્યારે કર્મચારીઓએ વધુ તપાસ કરી ત્યારે તેમને પૈસાથી ભરેલી બીજી પેટી મળી. ત્યાર બાદ પલંગની નીચેથી પણ પૈસા મળી આવ્યા, જે નાનાં-નાનાં પરબીડિયાંમાં રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઝૂંપડામાંથી ત્રણ ડબામાંથી રૂપિયા અને એક સિક્કાની થેલી મળી આવી હતી. હાલમાં, આ નાણાં ટ્રેઝરીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મહિલાની સ્થિતિ સારી થશે ત્યારે તેને આ નાણાં પાછાં આપવામાં આવશે.