News Continuous Bureau | Mumbai
Gujarat-Japan Relations: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત પાંચ જેટલા કરાર-MOU સંપન્ન થયા
* ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાંચ મૈત્રી કરાર
Join Our WhatsApp Community
* શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન
* અમદાવાદ અને હમામાત્સુ શહેરો વચ્ચે આપસી સહકાર માટેની દરખાસ્ત
* વર્સેટાઇલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ માટે MOU
* સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે MOU
મુખ્યમંત્રીશ્રી
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક-આર્થિક-સામાજીક વિકાસ માટે શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટથી જાપાન-ગુજરાત સંબંધોને વ્યાપક ફલક મળ્યુ છે
* ગુજરાત જાપાનના ઉદ્યોગો માટે સેકન્ડ હોમ જેવું છે
ગુજરાતની ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમના પરિણામે જાપાનના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું: શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નર શ્રી સુઝુકી યાસુતોમો
આ સમાચાર પણ વાંચો :Connect Gujarat: આજે સુશાસન દિવસથી ‘કનેક્ટ ગુજરાત’ અભિયાનની શરૂઆત..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોએ બંને પ્રાંત વચ્ચે વિકાસના નવાં દ્વાર ખોલ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજીક વિકાસ માટે શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને કારણે આજે જાપાન અને ગુજરાત વચ્ચેના સંબંધો એક ગાઢ મિત્રતામાં પરિવર્તિત થઇને વધુ મજબૂત બન્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટની મુખ્યમંત્રીશ્રી અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરશ્રીએ પરસ્પર આપ-લે કરી હતી.
જે કરાર સંપન્ન થયા છે તેમાં શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન, અમદાવાદ અને હમામાત્સુ, શહેરો વચ્ચે આપસી સરકાર માટેની દરખાસ્ત, વર્સેટાઇલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ માટે MOU, સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે MOUનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ તેમજ અમદાવાદ અને હમામાત્સુ શહેર (શિઝુઓકા) વચ્ચે મૈત્રી કરાર દ્વારા આજે બંને દેશો વચ્ચે એક નવી સહભાગિતાની યાત્રા શરૂ થઇ છે.
ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે કેટલીક રસપ્રદ સમાનતાઓ વિશે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત અને શિઝૂઓકા પ્રીફેક્ચર બેય ઈનોવેશન, સસ્ટેનેબિલીટી અને પિપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટનું સમાન વિઝન ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતમાં અરબ સાગરનો સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો છે. તેવી જ રીતે, શિઝુઓકા પેસિફિક મહાસાગરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો :Mari Yojana:ગુજરાત સરકાર અને નાગરિકો વચ્ચેનો સેતુ થશે મજબૂત, 680થી પણ વધુ યોજનાઓની માહિતી મળશે આ ડિજિટલ પ્લેટફોર્મ પર..
ગુજરાત ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઓટોમોટિવ, સિરામિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના મોટા ઉધોગો ધરાવતું રાજ્ય છે. બીજી બાજુ, શિઝુઓકા પ્રોડક્શન સેક્ટર પણ ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિકસ ઇન્ડસ્ટ્રી માટે જાણીતું છે. ગુજરાત મેન્યૂફેકચરીંગ હબ સાથો સાથ ‘ઓટો હબ’ બન્યું છે તેમાં જાપાનીઝ કંપનીઓ સૂઝૂકી મોટર્સ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ, મિત્સુબિશી, ટોયોટાનું યોગદાન ખૂબ જ અગત્યનું છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જાપાની કંપનીઓ માટે ગુજરાત સેકન્ડ હોમ છે. માંડલમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. જાપાને શરૂઆતમાં પાંચ કંપનીઓ શરૂ કરી હતી આજે ગુજરાતમાં લગભગ 350થી વધુ જાપાનીઝ સંસ્થાઓ તથા કંપનીઓ કાર્યરત છે.
તેમણે કહ્યું કે, એક્ટિવ પોલિસી મેકિંગ, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ, રોબસ્ટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વોલિટી ઓફ લાઈફથી ગુજરાત આજે રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બન્યું છે. ઇમરજિંગ સેક્ટર એવા ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમી કંડકટરમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે.
ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચેના આ કરાર એક મજબૂત પાયો છે. આ કરારથી વેપાર, વાણિજ્ય, ટેકનોલોજી, નવીનતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ પ્રવાસન જેવા ક્ષેત્રોમાં એકબીજાના સામર્થ્યનો લાભ મળશે. આ કરાર બન્ને દેશોની ક્ષમતાઓ માટે પૂરક બની વિવિધ ક્ષેત્રોમાં સહભાગિતાની સંભાવનાઓ ઉભી કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પતંગોત્સવની અને હમામાત્સુમાં યોજાતા પતંગોત્સવની લોકપ્રિયતાની સામ્યતા વર્ણવી હતી. તેમણે આગામી ઉતરાયણ ઉત્સવમાં જોડાવા જાપાનીઝ પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવ્યું હતુ.
શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નર શ્રી સુઝુકી યાસુતોમોએ આ પ્રસંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દાયકાથી જાપાનના ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સંબંધ ગાઢ રહ્યા છે. આજે ગુજરાત અને શિઝુઓકા વચ્ચે થયેલા મૈત્રી કરાર ભવિષ્યમાં ગુજરાત અને શિઝુઓકાના વિકાસ માટેનું એક ઐતિહાસિક પગલું પૂરવાર થશે.
શ્રી સુઝુકી યાસુતોમોએ ઉમેર્યું હતું કે, ગુજરાત આજે ભારતના આર્થિક વિકાસનો આધાર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પ્રેરણાથી ગુજરાતની ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમના પરિણામે આજે સુઝુકી જેવી જાપાનની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. એટલા માટે જ, જાપાન અને શિઝુઓકા માટે ગુજરાતમાં રોકાણ માટેનો પાયો ખૂબ જ સંગીન છે.
ગુજરાત ભારતનું સ્ટાર્ટઅપ હબ છે અને ગુજરાત રાજ્યમાં ભારતના આર્થિક વિકાસને વેગ આપવાની અનન્ય ક્ષમતા રહેલી છે. તેમાં સહયોગ આપવા ભવિષ્યમાં જાપાનની અનેક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. આ મૈત્રી કરારથી ઔદ્યોગિક વિકાસ ઉપરાંત બંને પ્રાંતના પ્રવાસન ક્ષેત્રને પણ ખૂબ જ વેગ મળશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરીને યાસુતોમોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને શિઝુઓકા-જાપાનની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :Kazakhstan Plane Crash : રનવેને સ્પર્શતાની સાથે જ વિમાન બન્યું અગન ગોળો, કઝાકિસ્તાનમાં ક્રેશ થયેલા પ્લેનની છેલ્લી ઘડીનો વિડીયો આવ્યો સામે; જુઓ..
ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જાપાનથી પધારેલા તમામ મહેમાનોને ગુજરાતમાં આવકારતા કહ્યું હતું કે, ગુજરાત અને જાપાનના સંબંધોને વધુ મજબૂત કરવા માટે આજનો કરાર મહત્વપૂર્ણ અને સીમાચિન્હ રૂપ સાબિત થશે.
મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે, ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટેના વિકાસપથ ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે હંમેશા અગ્રેસર રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત જાપાન સાથે કદમ મિલાવીને ચાલવા કટિબદ્ધ છે. ભારતના “ગ્લોબલ ઈકોનોમિક પાવરહાઉસ” તરીકે ગુજરાતે પોતાની કીર્તિ સ્થાપિત કરી છે. વિશ્વની ૫૦૦ ફોર્ચ્યુન કંપનીઓમાંથી ૧૦૦ના કંપનીઓના એકમો ગુજરાતમાં કાર્યરત છે. સુઝુકી મોટર્સ પ્લાન્ટ અને માંડલમાં જાપાનીઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એ જાપાન અને ભારતની સફળ ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે તેમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ શહેર અનેક નવીન માળખાકીય સુવિધાઓનું કેન્દ્ર બન્યું છે. આ MoUના માધ્યમથી ગુજરાતમાં સ્ટાર્ટઅપ, આરોગ્ય, શિક્ષણ ઉપરાંત કલા અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે.
જાપાનના હામામાત્સુ શહેરના મેયર શ્રી નાકાનો યુસુકે ગુજરાતની મહેમાનગતિથી પ્રભાવિત થતા જણાવ્યું હતું કે, અમદાવાદ અને હામામાત્સુ શહેર વચ્ચેના કરાર ગુજરાત અને જાપાનની મૈત્રી સંબંધોને વધુ મજબૂત બનાવશે. અમારું શહેર સુઝુકી કંપનીનું મેન્યુફેક્ચરિંગ હબ છે, જે જાપાનના આર્થિક અને સામાજિક વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેવી જ રીતે, ગુજરાતના વિકાસમાં પણ સુઝુકી જેવા જાપાનના ઉદ્યોગો મહત્વપૂર્ણ ફાળો આપે છે. સાથે જ, આજના આ મૈત્રી કરારથી બંને શહેરો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ વેગ મળશે.
જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના ડેલીગેશનના વડા શ્રી સુગિયામા મોરીયોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસા તેમજ ઔદ્યોગિક વિકાસ ઉપરાંત ગિફ્ટ સિટીની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મૈત્રી કરારથી ગુજરાત અને શિઝુઓકા વચ્ચે સાંસ્કૃતિક અને ઔદ્યોગિક આદાન પ્રદાનને વેગ મળશે અને બંને પ્રાંતનો વિકાસ વેગવાન બનશે.
સુઝુકી મોટર્સ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી સુઝુકી તોશિહિરોએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં સુઝુકીએ ગુજરાતમાં રોકાણ કર્યા બાદ આજે સુઝુકી યુરોપ અને જાપાન જેવા ૬૭ જેટલા દેશોમાં ગુજરાતથી નિકાસ કરી રહ્યું છે. આજે બેચરાજી ઝોનમાં ૧૦ જેટલી જાપાનીઝ હોટલો પણ શરૂ થઈ છે.
આ પ્રસંગે ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, શ્રી એમ. કે. દાસ ઉપરાંત જાપાનીઝ પ્રતિનિધિઓ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.