News Continuous Bureau | Mumbai
Amravati Trainee Doctor Death મહારાષ્ટ્રના અમરાવતીમાં તાજેતરમાં BAMS નો અભ્યાસ પૂર્ણ કરનાર એક ૨૨ વર્ષીય તાલીમાર્થી તબીબનું પોતાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક પોતાના ચહેરા અને શરીરનો વાન નિખારવા માટે જાતે જ વિવિધ પ્રકારની સ્કીન વ્હાઇટનિંગ દવાઓ લઈ રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દવાઓના ઓવરડોઝ અથવા તો તેની ગંભીર આડઅસરના કારણે આ કરૂણ મોત થયું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે તબીબી વર્તુળોમાં પણ સોપો પડી ગયો છે.
Amravati Trainee Doctor Death – આંખોમાંથી લોહી નીકળતી હાલતમાં મૃતદેહ મળ્યો
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, તાલીમાર્થી ડૉક્ટર પોતાના રૂમમાં પલંગ પર ઊંધા મોંઢે પડેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની આંખોમાંથી લોહી વહી રહ્યું હતું. તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ, ઊંઘ દરમિયાન અચાનક શ્વાસ રૂંધાવાથી (Suffocation) અથવા કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક) ના કારણે તેનું મોત થયું હોવાની શક્યતા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પંચનામું કરીને તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
Amravati Trainee Doctor Death – વાઈની બીમારી અને ગોરા થવાની દવાઓનું સેવન
પોલીસ તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો છે કે મૃતક યુવક બાળપણથી જ વાઈ (Epilepsy) ની બીમારીથી પીડાતો હતો અને તેની નિયમિત દવાઓ પણ ચાલુ હતી. તેની સાથે-સાથે તે શરીરનો વાન ગોરો કરવા માટે પણ પોતાની મેળે જ કેટલીક દવાઓનું સેવન કરી રહ્યો હતો. બે અલગ-અલગ પ્રકારની દવાઓનું મિશ્રણ અથવા ઓવરડોઝ શરીર માટે ઝેરી (Toxic) સાબિત થયું કે પછી જૂની બીમારીની કોઈ અચાનક આવેલી ગૂંચવણને પગલે આ દુર્ઘટના બની, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
Amravati Trainee Doctor Death – વિસેરા સુરક્ષિત, ફોરેન્સિક રિપોર્ટની રાહ
યુવકના મોતના સાચા કારણ પરથી રહસ્યનો પડદો ઊંચકવા માટે તબીબોએ મૃતદેહના વિસેરા સુરક્ષિત રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં તપાસ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ અને વિસેરા તપાસ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ મોત સેલ્ફ-મેડિકેશનના કારણે થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે.
👉 આ સમાચાર વાચો:
Lalbaug Gang Busted લાલબાગમાં ભક્તોને ટાર્ગેટ કરતી ઈન્દોરની ગેંગ પકડાઈ ગણેશોત્સવની ભીડમાં ચોરી કરતાં ૨ શખ્સો જેલભેગા
