ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
5 જુન 2020
જેમ જેમ રાજ્ય સભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં એક બાદ એક રાજકીય આંચકાઓ લાગી રહ્યા છે. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે ગઈકાલે ગુજરાતના બે ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ વધુ અટકળો લાગી રહી છે કે, ગુજરાત કોંગ્રેસમાંથી હજુ પણ વધુ બે-ત્રણ વિકેટ પડવાની સંભાવના છે.
શું તમે રાજ્ય સભાની ચૂંટણીને લઇ બીજેપીએ આપેલી કોઈ લાલચમાં આવી પક્ષ છોડી રહ્યા છો ?? એવા સવાલના જવાબમાં બ્રિજેશ મેરજા એ કહ્યું કે "હું લોકોની સેવા અને પક્ષ દ્વારા લોકોના કામો કરવા કોંગ્રેસમાં જોડાયો હતો પરંતુ, આ પક્ષમાં રહીને હવે કામ કરવું અશક્ય જણાતાં પક્ષ છોડવો પડી રહ્યો છે". નોંધનીય છે કે ગુજરાતના રાજકારણમાં બ્રિજેશ મેરજા ની ગણના એકદમ છેવાડાના માણસો અને સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાઓ સુધી પોતાની પહોંચ ધરાવતા અને સામાન્ય જનતામાં વધુ પ્રખ્યાત નેતા તરીકેની રહી છે..