News Continuous Bureau | Mumbai
- એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞા ચક્ષુ યુવા દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે નિયુક્તિ થશે.
- મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞા ચક્ષુ ખેલાડી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ તરીકે નિયુક્તિ મળશે.
Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેઇમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓ ની વિશેષ સિદ્ધિ ને બિરદાવી તેના ગૌરવ સન્માન રૂપે રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ તરીકે નિમણૂક આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
તદઅનુસાર, ઓલીમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેઇમ્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પુરસ્કાર ઉપરાંત રાજ્ય સરકારની વર્ગ ૧ અને વર્ગ-૨ની જગ્યા ઉપર નિમણૂકની ઓફર પણ આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Rushikesh Patel: કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે એક દિવસીય તાલીમનું આયોજન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.
આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર સુશ્રી હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રજ્ઞા ચક્ષુ યુવાન શ્રી દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૧ તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞા ચક્ષુ સુશ્રી. હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ ૨ તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આવી વિશ્વ સ્તરીય રમત ગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભા સંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકાર માં નિમણુક આપવાના અપનાવેલા આ અભિગમ ને પરિણામે વધુ ને વધુ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.