ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન – NHRC)ના સભ્યો પર મંગળવારે કોલકાતાના જાદવપુર વિસ્તારમાં કથિત તૃણમૂલ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. NHRCના સભ્યો જાદવપુર વિસ્તારમાં પીડિત પરિવારના સભ્યોની ફરિયાદો સાંભળી રહ્યા હતા ત્યારે તૃણમૂલના કથિત સમર્થકોના જૂથે તેમની સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં તેઓ મારામારી પર ઊતરી આવ્યા હતા.
પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા સેન્ટ્રલ ફોર્સના જવાનોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર છે. તમામને બાઘાજાતિન સ્ટેટ જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીઝ જે NHRC ટીમનો ભાગ છે. એના વાઇસ-ચૅરમૅન આતિફ રાશિદે આ હુમલાની પુષ્ટિ કરી હતી અને મીડિયાને કહ્યું હતું કે “જો સ્થાનિક પોલીસ મારી સુરક્ષા માટે ન આવી શકે, તો ગરીબ અને દલિત લોકોનું શું થયું હશે?”
ઉલ્લેખનીય છે કે તેમણે જાદવપુરમાં 40 ખાખ થઈ ગયેલાં મકાનોના ફોટોગ્રાફ્સ બહાર પાડ્યા હતા. એક મીડિયા રિપૉર્ટ અનુસાર જાદવપુરના નીલ સંઘ વિસ્તારના 40 લોકોએ મતદાન પછીની હિંસામાં તેમનાં મકાનો તોડી પાડવામાં આવ્યાંની ફરિયાદ કરી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશથી NHRCની ટીમ રાજ્યમાં મતદાન પછીની હિંસાની હાલ તપાસ કરી રહી છે.