ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રમાં ગયા વર્ષ સુધી પ્રથમ વર્ષ જુનિયર કૉલેજ (FYJC) પ્રવેશ કૉલેજ દ્વારા 10 વર્ગના માર્કને આધારે થતા હતા અને મુંબઈ સહિતના છ વિસ્તારોમાં જ્યાં પ્રવેશપ્રક્રિયા માટે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ બનાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીએ દસમા ધોરણમાં મેળવેલા ગુણ પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હતો. જોકેઆ વર્ષે પ્રક્રિયા થોડીક અલગ બની છે. દસમા ધોરણની પરીક્ષા રદ થતાં હવે જે વિદ્યાર્થીઓ પોતે મેળવેલા ગુણ સાથે અસંતુષ્ટ હોય તેમને કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET) આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ માટે ૧૯ જુલાઈના રોજ વર્ગ 11 માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા (CET) માટે ફૉર્મ જાહેર કરશે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE)ના અધ્યક્ષ દિનકર પાટીલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં પુષ્ટિ કરી હતી કે CET ૨૧ ઑગસ્ટ સુધીમાં લેવામાં આવશે. જ્યારે CET વિદ્યાર્થી માટે ફરજિયાત નથી. જોકેનોંધનીય છે કે આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઍડ્મિશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
“સોમવારે અમે CET માટે રજિસ્ટ્રેશન શરૂ કરીશું. બોર્ડની વેબસાઇટ પર એક લિન્ક ઉપલબ્ધ કરવામાં આવશે. એકવાર વિદ્યાર્થીઓ એમાં તેમના સીટ નંબર દાખલ કરશે ત્યાર બાદ તેઓ CET આપવા માગે છે કે કેમ એ માટે હા અથવા ના સૂચવવાનો વિકલ્પ મળશે. સીટ નંબર નાખ્યા બાદ વિદ્યાર્થીની તમામ વિગતો ત્યાં આવી જશે. CBSE અથવા ICSE જેવા અન્ય શૈક્ષણિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે અલગ સૂચનાઓ હશે. એકવાર વિદ્યાર્થીઓ તેમની પસંદગી સૂચવશે ત્યાર બાદ તેઓને પેમેન્ટ ગેટવે પર રિડાયરેક્ટ કરવામાં આવશે અને પ્રવેશપરીક્ષા માટે ફી ચૂકવવાનો વિકલ્પ મળશે. રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મફત છે.” એમ પાટીલે જણાવ્યું હતું.
CET માટેનો અભ્યાસક્રમ SSCના અભ્યાસક્રમ પર આધારિત હશે. પાટીલે કહ્યું કે, "આવતા અઠવાડિયા સુધીમાં, અમે વિષય અને પ્રકરણ મુજબની વિગતો બહાર પાડીશું, જેના આધારે પરીક્ષા લેવામાં આવશે." CET. માટે નોંધણી કરાવવા માટે નૉન-SSCબોર્ડના વિદ્યાર્થીઓએ આશરે 170 રૂપિયા ચૂકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે CET ઓફલાઇન યોજાશે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર જવું પડશે. પરીક્ષાના100માર્ક હશે અને મલ્ટિપલ-ચૉઇસ ફૉર્મેટમાં લેવાશે. સમયગાળો બે કલાકનો રહેશે. ઑપ્ટિકલ માર્ક રેકગ્નિશન (OMR) આધારિત પ્રશ્નપત્રમાં ચાર વિષયો, એટલે કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોના પ્રશ્નો હશે, જેમાં પ્રત્યેક વિષયના ગુણના ૨૫ પ્રશ્નો હશે. પ્રવેશપરીક્ષાની તારીખો અને વધુ વિગતો ફાઇનલ કરવા માટે મહારાષ્ટ્રના શિક્ષણ કમિશનર વિશાલ સોલંકીની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.