ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
ફોન ટેપિંગ કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી અને ગૃહ ખાતું સંભાળતા દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની તપાસ કરવાની માગણી કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ કરી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી રશ્મિ શુક્લા સામે કેસ નોંધવામાં આવ્યો છે. ફોન ટેપિંગ માટે ગૃહ સચિવની પરવાનગી ફરજિયાત છે. સરકારના વરિષ્ઠ સભ્યના આશીર્વાદ વિના રશ્મિ શુક્લાની હિંમત કરવી અશક્ય છે એવા આક્ષેપ સાથે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે.
પૂણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રશ્મિ શુકલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ ફોન ટેપિંગના સંદર્ભમાં બોલતા નાના પટોળેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ફોન ટેપિંગ માટે ગૃહ સચિવની પરવાનગી ફરજિયાત છે. મામલાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે.
તો મહારાષ્ટ્રમાં ઉનાળો દઝાડશે, રાજ્યના ઉર્જા પ્રધાને આપ્યો લોડશેડિંગને લઈને આ સંકેત; જાણો વિગત
નાના પટોળેએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમિયાન 2017-18ની સાલમાં મારા, શિવસેના, એનસીપી સહિત અનેક મંત્રીઓ, નેતાઓ, IAS, IPS અધિકારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવામાં આવ્યા હતા. અમારા ફોન ટેપ કરવામાં આવ્યા હતા. મેં વિધાનસભામાં ફોન ટેપિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.
નાના પટોળેએ રવિવારે કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃતિઓ, ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર કેસોની તપાસ માટે ફોન ટેપિંગ ખાસ પરવાનગી સાથે કરવામાં આવે છે. પરંતુ અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ફોન ટેપ કરીને વ્યક્તિ પર નજર રાખવી એ ગુનો છે અને તે વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. કેન્દ્રની મોદી સરકાર આવી જ રીતે પેગાસસ દ્વારા મંત્રીઓ, રાજકીય નેતાઓ, ન્યાયતંત્ર અને પત્રકારોની જાસૂસી કરતી હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ ઘટનાની તપાસની માંગણી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ તેમના પર કરવામાં આવેલા આરોપને પહેલાથી નકારી ચૂક્યા છે.