ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
દેશમાં ઓમિક્રોનનો હાહાકાર છે, પણ સાથે જ વડોદરા સહિતના ગુજરાતનાં મોટાં શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૧૮ની આસપાસ છે. રવિવારે સાંજે પાલિકાએ જાહેર કરેલા ડેટા મુજબ વડોદરામાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૮૪ છે. એટલે કે રાજ્યના કુલ એક્ટિવ દર્દીઓના ૨૬ ટકા દર્દી વડોદરામાં છે. આ સ્થિતિ જાેતાં વડોદરાવાસીઓએ હવે ચેતવા જેવું છે. બીજી ચિંતાજનક બાબત વડોદરા માટે એ છે કે, ૨૨ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર દરમિયાનના છેલ્લા ૨૧ દિવસમાં વડોદરા શહેરમાં આવેલા કુલ કેસ ૧૩૨ કેસો પૈકી ૬૨ કેસ (૪૭ ટકા) પશ્ચિમ ઝોનમાં આવ્યા છે. વડોદરામાં છેલ્લા ૪ દિવસમાં ૨૯,૭૬૩ ટેસ્ટિંગ થયા છે, જેમાંથી આરટીપીસીઆર ૭૫ ટકાની આસપાસ છે. કોરોનાના પહેલા પીકમાં આર્થિક કટોકટીમાં પાલિકા હતી ત્યારથી શહેરમાં તત્કાલિન ઉચ્ચ અધિકારીની સૂચનાથી ખર્ચ બચાવવાના હેતુથી આરટીપીસીઆર ઓછા થતા હતા, જે આજે પણ યથાવત્ છે. અમદાવાદ અને જામનગરમાં કુલ ટેસ્ટિંગના અનુક્રમે ૯૫ અને ૯૧ ટકા જેટલા આરટીપીસીઆર થાય છે. વડોદરામાં સરેરાશ ૫૯૧ ટેસ્ટિંગે એક પોઝિટિવ દર્દી આવે છે, જે રાજ્યમાં બોટાદ અને જામનગર જિલ્લા બાદ સૌથી વધુ છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૪૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૪ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૩૪, ઉત્તર ઝોનમાં ૧૧,૮૬૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૭૫, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૦૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. કોરોનાના કેસો વધી રહ્યા છે પણ કોરોના સાથે સંકળાયેલી કેટલીક પાયાની હકીકતો પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી નથી. નવા આવેલા દર્દીઓ પૈકી વેક્સિન કેટલા લોકોએ લીધી હતી, જિનોમ સિક્વન્સિંગમાં હાલમાં કેટલા નમૂના મોકલવામાં આવ્યા છે, તેમાં કયો વેરિયન્ટ મળી આવ્યો છે. આ બાબત જાહેર કરવામાં આવે તો લોકો અને તબીબોને પણ સ્થિતિની ગંભીરતાનો ખયાલ આવી શકે તેમ તબીબોએ જણાવ્યું હતું.ઓમિક્રોનના ખતરા વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓમિક્રોન માટે સયાજી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૪૨૫ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૭૧૮ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના ૧૪ નવા દર્દીઓ આવ્યાં હતા. આ કેસો શહેરના ગોત્રી, અટલાદરા, ભાયલી, તાંદળજા, શિયાબાગ, જેતલપુર, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, ગોરવા અને મકરપુરામાં નોંધાયા હતા. બીજી તરફ ક્વોન્ટાઇન લોકોનો આંક પણ વધીને ૨૪૯ પર પહોંચી ગયો હતો. શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધીને ૮૪ થઇ ગઇ છે. જે પૈકીના માત્ર ૩ દર્દીની સારવાર ઓક્સિજન પર ચાલી રહી છે. રવિવારે ૪ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પૂર્વ ઝોનમાં ૨, પશ્ચિમ ઝોનમાં ૭, ઉત્તર ઝોનમાં ૨, દક્ષિણ ઝોનમાં ૨ અને ગ્રામ્ય(ભાયલી)માં એક કેસ નોંધાયો હતો. શહેરમાં હાલમાં વિદેશથી આવેલા દર્દીઓ પૈકીના પોઝિટિવ જાહેર થયેલા ૩ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ દર્દીઓની હાલત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, ૨૩મી નવેમ્બર બાદ વડોદરામાં વિદેશથી ૨૦૦૦થી વધુ મુસાફરો આવી ચૂક્યા છે. જે પૈકી ૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શનિવારે સવારે લંડનની એક યુવતી કોરોના પોઝિટિવ આવી હતી. જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
શિવસેનાએ રાહુલ ગાંધીને ઝટકો આપ્યો. મુંબઈની સભાને પરવાનગી નહીં. આજે કોર્ટમાં સુનવણી.