ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્રમાં સહકારી સોસાયટીઓની ચૂંટણીને લઈને કાનૂનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિ પણ કો-ઓપરેટીવ સોસાયટી ઓની ચૂંટણી લડી શકશે. આમાં સહકારી બેંકો, સહકારી મંડળીઓ, હાઉસિંગ સોસાયટી અને ખાંડ તેમજ સહકારી ડેરીઓ નો સમાવેશ થાય છે. જે અંગેનો કાયદો મહારાષ્ટ્ર વિધાનસભામાં 'કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ'માં સુધારો કરીને પસાર કરવામાં આવ્યો છે. આ પહેલાં આ કાયદા મુજબ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓ કો-ઓપરેટીવ સોસાયટી ની ચૂંટણી લડી શકતી ન હતી.
વર્તમાન વિકાસ આઘાડી સરકારના આ પગલાંની સામાજિક કાર્યકરો અને વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી છે. સામાજિક કાર્યકરો અને વીપક્ષનું કહેવું છે કે 'ઉદ્ધવ સરકારના આ પગલાથી સહકારી ક્ષેત્રના તત્વોને ફરી ખુલ્લું મેદાન મળી જશે અને તેઓ સહકારી બેંકો, ખાંડના કારખાના અને દૂધની સહકારી મંડળીઓનું પતન કરશે.'
નોંધનીય છે કે 2016માં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારએ કો-ઓપરેટિવ સોસાયટીના કાયદામાં સુધારો કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને સહકારી સોસાયટીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.