ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 જાન્યુઆરી 2021
વર્તમાન સમયમાં મોટા ભાગના લોકોના ઘરમાં રાંધણ ગેસના સિલિન્ડરની જગ્યા પર ગેસ પાઈપલાઈન લાગેલી જોવા મળે છે. પરંતુ ગેસની પાઈપલાઈનમાં ક્યારેક કોઈ ખામી સર્જાય તો ગેસ લાઈન ધરાવતા ગ્રાહકોને મુશકેલોનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 21 વર્ષમાં પહેલી વખત લોકોને ગેસલાઈન બંધ થવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. દહેજ ખાતે ગેસ પાઇપલાઇનનું સમારકામ કરવાનું હોવાથી 11 જાન્યુઆરીએ રાજ્યભરમાં ગેસની સપ્લાય બંધ કરવામાં આવશે. તેવા મેસોજો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ મેસેજ વાયરલ થવાના કારણે લોકોને લાગતું હતું કે, ગેસ પૂરવઠો બંધ રહેવાના કારણે ગેસથી ચાલતા તમામ વાહનો તેમજ ગૃહિણીઓને તકલીફ પડશે. આ ઉપરાંત જે રેસ્ટોરન્ટમાં પાઈપલાઈન દ્વારા ગેસ પહોંચાડવામાં આવે છે. તે રેસ્ટોરન્ટ, હોટેલો અને ઘરમાં ગેસની પાઈપલાઈન ધરાવતા લોકોને શિયાળાની ઠંડીમાં ઠંડુ ભોજન લેવાનો વારો આવશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજને લઇને હવે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈ પણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં. તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી. આમ ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની માત્ર અફવા છે.
