ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા કોલ્હાપુરની મુલાકાતે ગયા હતા. બંને નેતાઓએ કોલ્હાપુરના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાનઅને વિપક્ષના નેતા બંને શાહપુરીમાં એક જ જગ્યાએ આકસ્મિક રીતે મળ્યા હતા. એ દરમિયાન આ બંને નેતાઓએ વાતચીત કરી હતી.
આ મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાનના કાનમાં કંઈક ગુસપુસ કરી હતી. હવે એને પગલે ઘણા મીમ્સ સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. આ બંને નેતાઓએ એકબીજાને શું કહ્યું હશે એ અંગે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બંને નેતાઓ કોલ્હાપુરની મુલાકાતે આવી રહ્યા છે એ જાણાતાં કોલ્હાપુરની જનતાને આ અંગે ભારે ઉત્સુકતા હતી. બંને નેતાઓ સામસામે આવ્યા, પણ ભીડ સાંભળી ન શકે એમ એકબીજાના કાનમાં કંઈક કહ્યું હતું. આના પર, નેટિઝન્સે તરત જ સોશિયલ મીડિયા પર લખ્યું કે ફડણવીસ કહી રહ્યા છે કે “ચાલો કાલે સવારે ફરી શપથ લઈએ!” તેના જેવા મીમ્સ વાયરલ થયા હતા.