News Continuous Bureau | Mumbai
GSERC :
• સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા. ૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ નિમણૂક હુકમ અપાશે
• બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા. ૦૮ જુલાઇ, ૨૦૨૫ના રોજ નિમણૂક હુકમ અપાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અન્વયે ઉમેદવારો માટે મેરીટ કમ પ્રેફરન્સના આધારે આજે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા.૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા.૦૮ જુલાઇ, ૨૦૨૫ના રોજ સંબંધિત ફાળવણીપત્રમાં જણાવેલ સ્થળે નિમણૂક હુકમ મેળવવા ઉપસ્થિત થવાનું રહેશે.
આ ઉમેદવારો માટે શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરવા અને ફળવાયેલી શાળામાં નિમણૂક હુકમ મેળવવા અંગેની જરૂરી સૂચનાઓ www.gserc.in વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેનો ઉમેદવારોએ અભ્યાસ કરીને નિમણૂક હુકમ મેળવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. આ શાળા ફાળવણી એ ઉમેદવારોની હાલની ભરતી પ્રક્રિયાની અંતિમ શાળા ફાળવણી છે, ત્યારબાદ શાળા ફાળવણી અંગે ઉમેદવારોની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત તા. ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ શાળા ફાળવણી માટેનું પ્રોવિઝનલ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જે અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં પસંદગી બાબતે ઉમેદવારો પાસેથી તા.૨૫ જૂન, ૨૦૨૫ના રોજ ઓનલાઈન સંમતિ મેળવવામાં આવી હતી. આ સંમતિના આધારે ઉમેદવારોને પસંદગીની ભરતી ફાળવવામાં આવી હતી તેમજ અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક બાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ ઉમેદવારો માટે આજે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
