News Continuous Bureau | Mumbai
Gujarat Government Initiative: કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરીને બાળકોનું શાળામાં નામાંકન કરાવવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના દૂરંદેશી વિઝનને પરિપૂર્ણ કરવા નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં બાળકોના ભણતર સાથે-સાથે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે રમત-ગમતને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી સમયમાં ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકો માટે રમત-ગમતના વિવિધ સાધનો સાથેની કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. કુલ રૂ. ૨૯.૪૫ કરોડથી વધુના ખર્ચે આપવામાં આવનાર આ સ્પોર્ટ્સ કીટમાં બાળકો માટે ૩૦ પ્રકારના રમત-ગમતના સાધાનો આપવામાં આવશે.
શાળાઓમાં રમત-ગમતથી બાળકો અને શૈક્ષણિક પદ્ધતિ બન્નેને ઘણો લાભ થાય છે. રમત-ગમત બાળકોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે, તેનાથી બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસ થાય છે. બાળકના સંપૂર્ણ વિકાસમાં રમત-ગમતનું યોગદાન વિશિષ્ટ ભૂમિકા ભજવે છે, જે વ્યક્તિત્વ વિકાસને પણ સુનિશ્ચિત કરે છે.
આ સમાચાર પણ વાંચો :PM Modi Speech: નામિબિયાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર – ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિટ્શિયા મિરાબિલિસના પ્રસ્તુતિ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા સ્વીકૃતિ સંબોધન
શાળાના બાળકોને રમત-ગમતના સાધનો આપવાથી બાળકોની સ્પોર્ટ્સમાં રૂચી વધશે અને પરિણામે સ્પોર્ટ્સથી બાળકોમાં સંઘ ભાવના, સહકાર, સ્વ-પહેલ, સ્વાવલંબન, સ્વ-શિસ્ત, જવાબદારી, નાગરિકતા જેવા કૌશલ્યોનો વિકાસ થશે. શાળામાં શિક્ષણની સાથે રમત-ગમતને સામેલ કરીને વિદ્યાર્થીમાં જીવનભર શારીરિક રીતે સક્ષમ રહેવાનો, જીવનભર નિરોગી અને સ્વસ્થ રહેવાનો અભિગમ કેળવવામાં આવશે, જે “ફીટ ઇન્ડિયા મૂમેન્ટ” અંતર્ગત નક્કી કરેલા બીજા જીવન કૌશલ્યો સિદ્ધ કરવામાં પણ મદદરૂપ થશે.
આ સ્પોર્ટ્સ કીટ શાળા દીઠ તૈયાર કરી, રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં ઝોન-૧માં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ઝોન-૨માં અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, ઝોન-૩માં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર–સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા, ઝોન-૪માં આણંદ, છોટા-ઉદેપૂર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ તેમજ ઝોન-૫માં ભરૂચ, નર્મદા, નવસારી, સૂરત, સૂરત મહાનગરપાલિકા, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા મહાનગરપાલિકા અને વલસાડ જિલ્લામાં મળીને કુલ ૩૪,૪૦૦થી વધુ સ્પોર્ટ્સ કીટો ફાળવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો :Modi On GuruPurnima: પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમાની સૌને શુભેચ્છા પાઠવી
સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા વર્ષ-૨૦૨૨માં તમામ સરકારી સ્કૂલોને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. આ વખતે સ્પોર્ટ્સ કીટ ખરીદવામાં વધુ પારદર્શકતા જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય ગુણવત્તાયુક્ત સ્પોર્ટ્સ કીટ મળી રહે અને ઓછા ખર્ચે વધુ સાધન સામગ્રી બાળકોને મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા દ્વારા રાજ્ય સરકારી શાળાઓમાં સીધી સ્પોર્ટ્સ કીટ જ આપવામાં આવશે.
સ્પોર્ટ્સ કીટમાં સમાવિષ્ટ રમત-ગમતના સાધનો
વિદ્યાર્થીઓને આપવામાં આવનાર સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ, અલગ અલગ સાઈઝના ક્રિકેટ બેટ, બેડમિન્ટન, શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
– પ્રિન્સ ચાવલા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.