ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 મે 2021
ગુરુવાર
કોરાનાની સારવાર બાદ બચી ગયેલા અનેક દર્દીઓ ઝડપથી મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લૅક ફંગસના શિકાર બની રહ્યા છે. હવે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં બ્લૅક ફંગસના કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ સૌથી વધુ બ્લૅક ફંગસના કેસ ગુજરાતમાં નોંધાયા છે.
રાજસ્થાન સરકારે બ્લૅક ફંગસને મહામારી જાહેર કરી છે. જીવલેણની સાથે જ ઝડપથી ફેલાતા આ ચેપની ચપેટમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ રાજ્ય આવી ગયાં છે. હવે ગુજરાતમાં પણ બ્લૅક ફંગસના દર્દી નોંધાયા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાના જણાવ્યા પ્રમાણે દેશમાં બ્લૅક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે.
ગુજરાતમાં હાલ ચાર મહાનગરોની સિવિલ હૉસ્પિટલમાં હાલ 1,100થી વધુ દર્દી છે. મોટા ભાગના જિલ્લામાં તેના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદની સિવિલમાં જ 470થી વધુ કેસ છે. રોજની અહીં 22થી 25 સર્જરી કરવામાં આવી રહી છે. અહીં અત્યાર સુધી એક પણ દર્દીની આંખ કાઢવી પડી નથી. સદનસીબે મૃત્યુનું પ્રમાણ ઓછું છે.
હાલ રાજસ્થાનમાં રોજના બ્લૅક ફંગસના 100 કેસ નોંધાઈ રહ્યા છે. રાજસ્થાન સરકારે અલગથી તેના દર્દીની સારવાર માટે વૉર્ડ બનાવ્યો છે. દિલ્હીમાં પણ રોજના મોટી સંખ્યામાં આ કેસ નોંધાઈ રહ્યા છે અને એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ઉત્તર પ્રદેશમાં બ્લૅક ફંગસના કેસ વધી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકાર તેમના રાજ્યમાં નેજલ એન્ડોસ્કોપી અભિયાન ચલાવવાની છે, જેથી બ્લૅક ફંગસના કેસ જલદી ડિટેક્ટ થઈ શકે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બ્લૅક ફંગસથી એકનું તો નાગપુરમાં સાતનાં મોત થઈ ચૂક્યાં છે. ઉત્તરાખંડમાં બેનાં મોત થયાં છે.
