News Continuous Bureau | Mumbai
Gujarat Police mega search :
- ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંકલનમાં રહીને ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ પોલીસે બપોરે ૧૨ વાગ્યાથી રાજ્યવ્યાપી ચેકીંગ શરૂ કર્યું
 - રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા હાથ ધરાયું મેગા સર્ચ
 - ખાસ કરીને શાળાઓ-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય
 - સુરત શહેર પોલીસે ૩૩૩ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી બે મેડિકલ સ્ટોરમાંથી ૧૦૮ કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
 
રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે.
આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.
ખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે, તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં Amidopyrine, Phenacetin, Nialamide, Chloramphenicol, Phenylephrine, Furazolidone, Oxyphenbutazone તેમજ Metronidazoleનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએ, અને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે.
આ સમાચાર પણ વાંચો :  Mumbai Lakes Water Level:  મેઘમહેર, મુંબઈને પાણી પૂરું પાડતું આ તળાવ થયું ઓવરફ્લો;  અન્ય જળાશયોના જળસ્તરમાં મોટો વધારો.
બપોરે ૧૨ વાગ્યેથી રાજ્યવ્યાપી શરૂ કરેલા આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે ચાર વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં ૨૮૨ મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક NDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ ૪૫ કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં ૩૩૩ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી ૯૩ કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી ૧૫ કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં ૬૧ મેડિકલ સ્ટોર્સ, નવસારીમાં ૧૮૪, જામનગરમાં ૬૬ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ, ભરૂચ જિલ્લામાં ૨૫૮ સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં ૨૩ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ ૧૨૯ મેડિકલ સ્ટોર, પંચમહાલ જિલ્લામાં ૧૧૨ અને ગાંધીનગર જિલ્લામાં ૩૧૭ મેડિકલ સ્ટોર્સમાં સાંજે ચાર વાગ્યા સુધી ચેકીંગ હાથ ધરાયું હતી અને હજુ આ કામગીરી ચાલુ છે.
આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
