ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 ઓક્ટોબર 2020
હાથરસ કાંડ તરીકે બહુ ચર્ચિત કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત સમાજની સગીરા પર બળાત્કાર બાદ ઈજા કરી છોડી દેવામાં આવી હતી. તેના મોતના સંવેદનશીલ કેસમાં સીબીઆઈ તપાસ પર અલ્હાબાદ હાઈકોર્ટને નજર રાખવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મતે સીબીઆઈ આ કેસમાં હાઈકોર્ટને રિપોર્ટ કરશે. પીડિત પરિવારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે આ કેસની ટ્રાયલ દિલ્હીમાં કરવામાં આવે.
ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અ જસ્ટિસ વી રામાસુબ્રમણ્યનની બેન્ચે એક પીઆઈએલ તેમજ કાર્યકરો અને વકીલ દ્વારા દાખલ અન્ય મધ્યસ્થીની અરજી પર 15 ઓક્ટોબરનો ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાથરસમાં ગઈ 14 સપ્ટેમ્બરના ઉચ્ચ જાતિના ચાર શખ્સોએ એક દલિત યુવતી પર બળાત્કાર કર્યો હતો. ઈજાગ્રસ્ત પીડિતાએ 29 સપ્ટેમ્બરના દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. 30 સપ્ટેમ્બરના મધરાતે પીડિતાની અંતિમવિધિ તેના ઘર નજીક કરાઈ હતી. પીડિત પરિવારે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમના પર આમ કરવા દબાણ કર્યું હતું.
