News Continuous Bureau | Mumbai
- ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી
- રાજ્યના બધા જ કમિશનરેટમાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની તાકીદ
- ૧૦ વર્ષ કરતાં વધુ સમયના કેસોમાં ગુજરાતે ૯૨%થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું સરાહનીય કાર્ય કર્યુ છે.
- રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલયો માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ.
- ફોરેન્સિક ક્રાઈમ મેનેજરની ગુજરાતે કરેલી પહેલ અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ.
- ગુજરાત સરકારે ઝીરો એફ.આઈ.આર.ને ૧૦૦ ટકા એફ.આઈ.આર.માં બદલવાનું પ્રસંશનીય કાર્ય કર્યુ છે.
- ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કાર્યવાહીના નિર્દેશો આપીને સારી પહેલ કરી છે.
Criminal Laws: ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની ઉચ્ચસ્તરિય સમીક્ષા બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધીત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં સ્પષ્ટપણે કહ્યું કે, ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં એફ.આઈ.આર.થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા છે.
Criminal Laws: શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં જણાવ્યું કે, આગામી ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં બધા જ કમિશનરેટમાં આ નવા કાયદાઓનું ૧૦૦ ટકા અમલીકરણ સુનિશ્ચિત થવું જોઈએ. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા દર મહિને, ગૃહ રાજ્ય મંત્રીશ્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગુજરાતમાં ૧૦ વર્ષથી વધુ સમયની સજાવાળા કેસોમાં ૯૨ ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય થયું છે તેની પ્રસંશા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતી લઈને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ. શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં ઝીરો એફ.આઈ.આર.ને ૧૦૦ ટકા એફ.આઈ.આર.માં બદલવાના કાર્યની સરાહના કરતાં કહ્યુ કે, એવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ જેમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ(CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે. તેમણે ગુજરાત CCTNS 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ નવા ફોજદારી કાયદાઓમા ઈલેક્ટ્રોનિક્સ એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મુક્યો હતો.
આ સમાચાર પણ વાંચો: ભારે કરી.. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બિહારના CM નીતિશ કુમાર પાડવા લાગ્યા તાળી, પછી સ્પીકરે… જુઓ વિડિયો..
Criminal Laws: શ્રી અમિતભાઈ શાહે જેલ, સરકારી હોસ્પિટલો, બેન્ક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વગેરેમાં પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ દાખલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ સૂચવ્યુ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, સંગઠિત ગુનાખોરી, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરી શકાય તે માટે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં ગેરહાજરીમાં ટ્રાયલ (Trial In Absentia)ની જોગવાઈ કરવામાં આવી છે, તે અંતર્ગત ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોમાં દેશમાંથી લાંબા સમયથી ફરાર હોય તેવા ભાગેડુ આરોપીઓ સામે આવી ટ્રાયલની શરૂઆત થવી જોઈએ.
Criminal Laws: ગૃહમંત્રી શ્રી શાહે દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર આ બેઠકમાં ભાર મૂક્યો હતો. તેમણે આવી મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી તમામ ૧૨ કિટ્સ ભારતમાં જ બનેલી હોય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતુ. ગુજરાત દ્વારા “ફોરેન્સિક ક્રાઈમ મેનેજર”ની નિમણુંક માટે કરાયેલી પહેલની સરાહના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. આ ઉપરાંત, પેન્ડિંગ ફોરેન્સિક કેસોના નિકાલ માટે ઝુંબેશ ચલાવીને તેના ઉકેલ લાવવા અને ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે તમામ નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કામગીરી કરવા માટે દિશાનિર્દેશો આપ્યાં છે, આ પહેલ ડિજિટલ અને પારદર્શિતા સુનિશ્ચિત કરતી સારી પહેલ છે તેમ જણાવી અન્ય રાજ્યોને પણ આ માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, નેશલન ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના મહાનિદેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.