ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સીમા પર આવેલા પલસુદ ગામમાં શસ્ત્ર બનાવવાની ફૅક્ટરી, નજીકના ભવિષ્યમાં મુંબઈ અને રાજ્યનાં અન્ય મહાનગરો માટે ઘાતક સાબિત થઈ શકે છે. મુંગેર અને ખારગોન બાદ હવે મુંબઈના ગુનેગારોની નજર પલસુદ સ્થિત અદ્યતન શસ્ત્રો બનાવવાના કેન્દ્ર તરફ વળી છે, જ્યાં દેશી કટ્ટાથી લઈ AK-56બનાવવામાં આવે છે. આ નવાં શસ્ત્ર-ઉત્પાદન કેન્દ્રો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી બે કાર્યવાહી દ્વારા પ્રકાશમાં આવ્યાં છે.
ગયા મહિને ક્રાઇમ બ્રાન્ચના ઘાટકોપર સેલે મધ્યપ્રદેશથી મુંબઈમાં દાખલ થતાં શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કર્યો હતો. 10 દેશી પિસ્તોલ, મેગેઝિન, જીવંત કારતૂસ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યાં હતાં. આ ઉપરાંત ઑપરેશન પૂર્વે પોલીસની એક ટીમ પલસુદ પણ ગઈ હતી. પ્રથમ મુલાકાત વખતે ટીમને પ્રાપ્ત માહિતી અનુસાર, -અગાઉ હથિયાર બનાવતો એક સમુદાય પલસુદ ખાતે રહે છે, જ્યાં ઘરે ઘરે શસ્ત્રો બનાવવામાં આવે છે.
થોડા દિવસ પહેલાં જ દહિસરના વેપારીની હત્યા કરવામાં આવી હતી અને તેની દુકાન લૂંટી લેવામાં આવી હતી. દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે ગુનામાં વપરાયેલાં હથિયારો મધ્યપ્રદેશથી મેળવવામાં આવ્યાં હતાં. આરોપીએ બે શસ્ત્ર અને કારતૂસ ખરીદ્યાં હતાં. ગુનામાં બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક શસ્ત્ર કબજે કરાયું છે. બીજા શસ્ત્રનો નિકાલ ગુજરાતમાં કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બિહારના મુંગેરમાં ગેરકાયદે શસ્ત્રોના ઉત્પાદન માટેનું કેન્દ્ર હતું. મુંગેરમાં બનેલાં શસ્ત્રોનો ઉપયોગ બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિત વિવિધ રાજ્યોમાં કરવામાં આવતો હતો. નક્સલવાદી, સંગઠિત ગુનાહિત ગૅન્ગ પણ અહીંથી હથિયાર મેળવતી હતી.
