ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
એક તરફ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચિંતાજનક રીતે કોરોના અને ઓમીક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ મુંબઈમાં ચાલી રહેલા શિયાળુ અધિવેશનમાં હાજર રહેનારા 32 લોકો કોરોના પોઝિટિવ આવતા સરકારની ચિંતા વધી ગઈ છે, જેમાં પોલીસ, પત્રકાર, વિધિમંડળ અને મંત્રાલયમાં કામ કરનારા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કોરોના અને ઓમાઈક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને વેક્સિનેશનના બંને ડોઝ પૂરા કરનારા લોકોને જ અધિવેશનમાં હાજર રહેવાની મંજૂરી હતી, તેમાં પણ અધિવેશનમાં હાજર રહેનારા મંત્રી, વિધાનસભ્ય સહિત વિધિમંડળના કર્મચારી, બંદોબસ્તમાં રહેલા પોલીસ અને પત્રકારોની કોરોનાની ટેસ્ટ પણ કરવામાં આવી હતી. તમામ તકેદારીના પગલા બાદ પણ અધિવેશનમાં કોરોના ઘૂસવામાં સફળ રહ્યો હતો.
રાજ્યના આરોગ્ય ખાતાએ અધિવેશનમાં હાજર રહેનારા 2400 લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા, તેમાંથી 32ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વિધિમંડળ અધિવેશનમાં હાજર રહેનારા ભાજપના વિધાનસભ્ય સમીર મેધેને કોરોના થયો હોવાનું શનિવારે જણાયું હતું. તેથી તેમના સંપર્કમાં આવેલા તમામ વિધાનસભ્યોની સાથે પ્રશાસન ની ચિંતા વધી ગઈ છે.
અધિવેશનમાં હાજર રહેનારા તમામ લોકોની કોરોનાની ટેસ્ટ કરવામાં આવે છે. પહેલા અઠવાડિયામાં કરવામાં આવેલી ટેસ્ટમાં આઠના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો બીજા અઠવાડિયામાં અધિવેશનમાં હાજર રહેવા માટે શનિવાર, રવિવારે ટેસ્ટ કરવામા આવી હતી, તેમાં 32ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો 400ના રિપોર્ટ આવવાના હજી બાકી છે.
