News Continuous Bureau | Mumbai
International Women’s Day :
- વડાપ્રધાનશ્રીના હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે
- અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશની મહિલાઓને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહિત કરીને આર્થિક રીતે પગભર કરવા અને તેમનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ ‘લખપતિ દીદી યોજના’નો આરંભ કરાવ્યો હતો. લખપતિ દીદી એ સ્વસહાય જૂથની મહિલા સભ્યો છે, જેઓ મહિલા સ્વાવલંબન થકી આવકના વિવિધ સ્ત્રોત જેવા કે કૃષિ, પશુપાલન, લઘુ ઉદ્યોગ વગેરેમાંથી માસિક rs 10,000 કે તેથી વધુની આવક અને વાર્ષિક ₹1 લાખ કે તેથી વધુ આવક મેળવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વ્યાપક પ્રયાસોને કારણે આજે 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની વાર્ષિક આવક એક લાખ કે તેથી વધુ સુધી પહોંચી છે અને તેઓ લખપતિ દીદીઓ બની છે.
આ સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના 25 હજાર સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવશે.
International Women’s Day : લખપતિ દીદી સંમેલન
નવસારીમાં વાંસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી સંમેલનમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખ મહિલાઓ ભાગ લેશે. આ મહિલાઓમાં મોટાભાગે સ્વસહાય જૂથોની સભ્ય મહિલાઓ, જેઓ લખપતિ દીદી બની છે અથવા તો બનવાની ઇચ્છા ધરાવે છે, તેઓ સામેલ થશે. પસંદ કરવામાં આવેલ 10 લખપતિ દીદીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સંવાદ કરશે અને 5 લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે. આ ઉપરાંત, ગુજરાતમાં લખપતિ દીદી યોજના અંતર્ગત જે પ્રગતિ થઈ છે, તે દર્શાવતી એક ફિલ્મ પણ કાર્યક્રમ દરમિયાન બતાવવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન બે મહત્વપૂર્ણ રાજ્ય વિશિષ્ટ યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવશે.
International Women’s Day : જી-સફલ (G-SAFAL – ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટીંગ લાઇવલીહૂડ)
અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની (SHG) મહિલાઓને નાણાંકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ આપવા માટે છે.
આ સમાચાર પણ વાંચો : Lakhpati Didi Yojana : આત્મનિર્ભરતાનું ઉદાહરણ શ્રી સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો, ઓર્ગેનિક સાબુ-શેમ્પુ, અને કપડા ધોવાનો પાવડર બનાવીને કરે છે લાખો રૂપિયાની કમાણી..
International Women’s Day :યોજનાની વિશેષતાઓ
• દરેક SHG મહિલાને rs 1 લાખ સહાય અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે
• 5 વર્ષમાં 50,000 મહિલાઓ માટે Rs 500 કરોડની સહાય
• 50 થી 60 મહિલાઓ દીઠ 1 ફિલ્ડ કોચ
• સાપ્તાહિક કોચિંગ અને ક્ષમતાનિર્માણ
જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ)
ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ) લોન્ચ કરવામાં આવશે. ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ (G-SEF) દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ આજીવિકા-કેન્દ્રિત સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે ₹50 કરોડ ફાળવ્યા છે. આ યોજનાથી ગુજરાતમાં 10 લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ માટે સક્ષમ બનાવવામાં આવશે.
International Women’s Day :યોજનાની વિશેષતાઓ
• સામાજિક ઉદ્યમોને નવા સ્ટાર્ટઅપ અને વૃદ્ધિશીલ સ્ટાર્ટઅપ કેટેગરીમાં પ્રોત્સાહન સહાય આપવામાં આવશે
• જી-મૈત્રી હેઠળ ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે આજીવિકાને સક્ષમ કરતા નફાકારક અને બિનનફાકારક સામાજિક ઉદ્યમો ભાગ લઇ શકે છે
• સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા 5 વર્ષમાં 150થી વધુ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે
• એન્ટરપ્રાઇઝના વિકાસ માટે ₹20 લાખ થી ₹30 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે
• સીડ સ્ટાર્ટ અપ માટે ₹20 લાખ અને સ્કેલ સ્ટાર્ટ અપ માટે ₹30 લાખ સુધીની સહાય
• ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભર માધ્યમો દ્વારા ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળશે
• વર્કશોપ અને તાલીમ દ્વારા વ્યાપક ઇકોસિસ્ટમની ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવશે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને તેમજ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલેકે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.