ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે લવ મૅરેજને લઈને મોટો નિર્ણય આપ્યો છે. ગ્વાલિયર બેન્ચે કહ્યું કે માત્ર માળા પહેરવાથી લગ્ન નથી થતા. આના માટે સંપૂર્ણ કાયદા અને વ્યવસ્થા સાથે સાત ફેરા ફરવા આવશ્યક છે. આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરવાનો દાવો કરી રહેલાં મુરૈનાનાં દંપતીની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. લગ્ન બાદ આ દંપતીએ હાઈ કોર્ટ પાસે રક્ષણ માગ્યું હતું.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ અરજી ફગાવી દેવામાં આવી છે, કારણ કે આમાં આવા એક પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા, જે દર્શાવે કે પ્રેમી-પ્રેમિકાને ધમકીઓ મળી છે અથવા તેઓ પોલીસ પાસે ગયાં છે.
ઉલ્લેખનીય છે કે મુરૈનામાં રહેતા 23 વર્ષના છોકરાએ, ગ્વાલિયરના લોહા મંડી કિલાગેટસ્થિત આર્ય સમાજ મંદિરમાં 16 ઑગસ્ટના રોજ 21 વર્ષની છોકરી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.
આર્ય સમાજે આ લગ્નનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. આ પછી બંનેએ તેમની સુરક્ષાને લઈને હાઈ કોર્ટમાં અરજી કરી. આ દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે બંનેએ લવ મૅરેજ કર્યાં છે. બંનેના પરિવારો ખોટી ફરિયાદો કરી રહ્યા છે, જેના પર કાર્યવાહી ન કરવામાં આવે. વૈવાહિક સંબંધોને મજબૂત કરવા માટે, તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. તેમના જીવને લોકોથી ખતરો છે.
સુનાવણી બાદ કોર્ટે ફગાવી દીધી અરજી
સરકારી વકીલ દીપક ખોટે આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે અરજદારોએ આ માટે કોઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી નથી. કોણ તેમને ધમકી આપે છે, કોણે ધમકી આપી છે, કોણ તેમને પરેશાન કરી રહ્યું છે? વગેરે કહ્યું નથી. અરજી સીધી અદાલતમાં દાખલ કરવામાં આવી છે, એથી આ અરજી સુનાવણી કરવા લાયક નથી. આમ સુનાવણી બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
બાપરે! મહારાષ્ટ્રમાંથી આટલી ગાયબ થયેલી મહિલાઓનો કોઈ પત્તો લાગ્યો નથી; જાણો વિગત
