News Continuous Bureau | Mumbai
BMC Election Results 2026 મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની સત્તાના ફેંસલા માટે આજે સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. જોકે, પરિણામો જાહેર થાય તે પહેલા જ છત્રપતિ સંભાજીનગર માં ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારોના પ્રતિનિધિઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે સીધો લાઠીચાર્જ કરવો પડ્યો છે. અહેવાલો મુજબ, છત્રપતિ સંભાજીનગરમાં એકનાથ શિંદે જૂથના એક કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. બીજી તરફ, મુંબઈમાં પણ પરિણામોના વલણો આવતા પહેલા જ ભાજપ દ્વારા જીતના મોટા દાવાઓ શરૂ થઈ ગયા છે.
છત્રપતિ સંભાજીનગરમાં મતગણતરી કેન્દ્ર પર પોલીસનો લાઠીચાર્જ
છત્રપતિ સંભાજીનગરના મતગણતરી કેન્દ્ર પર આજે સવારે ગરમાગરમી જોવા મળી હતી. ઉમેદવારોના પ્રતિનિધિઓ વચ્ચે થયેલા વિવાદ બાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. શિંદે જૂથના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી બાદ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને ગણતરી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલુ છે.
મુંબઈ (BMC) માં ચંદ્રકાંત પાટીલનો મોટો દાવો
મુંબઈ મહાનગરપાલિકાના પરિણામોના વલણો આવવામાં ગણતરીની મિનિટો બાકી છે ત્યારે ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે જીતનો હુંકાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, “કોઈપણ પરિસ્થિતિમાં ભાજપ મુંબઈમાં 130 થી ઓછી બેઠકો મેળવશે નહીં.” એક્ઝિટ પોલ્સમાં પણ ભાજપ અને શિંદે જૂથની મહાયુતિને બહુમતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠાકરે ભાઈઓની જોડી સામે ભાજપે અત્યારથી જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ જણાય છે.
આ સમાચાર પણ વાંચો : US Iran Conflict 2026: મહાજંગનો ખતરો ટળ્યો! સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું; જાણો કેવી રીતે ઈરાન બચી ગયું
મહારાષ્ટ્રની 29 પાલિકાઓમાં કોનું પલડું ભારે?
રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે કુલ 2,869 બેઠકો પર 15,931 ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈમાં મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થોડો વિલંબ થઈ શકે છે. પુણે, નાગપુર, અને નાસિકમાં પણ મતગણતરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. એક્ઝિટ પોલ્સ મુજબ મહારાષ્ટ્રમાં આ વખતે મહાયુતિ (ભાજપ-શિંદે-અજિત પવાર) બાજી મારી શકે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર થયેલી ટક્કર જોતા પરિણામો રસપ્રદ રહેવાની આશા છે.
