ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દેશમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે, મહારાષ્ટ્રમાં પણ ધીમે ધીમે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવી છે.
રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા જણાય છે. ઍક્ટિવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રની ઠાકરે સરકાર દ્વારા શાળાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યની શાળાઓ 4 ઑક્ટોબરથી કાર્યરત થશે.
રાજ્યનાં શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે શહેરી વિસ્તારમાં આઠમા ધોરણથી વધુના અભ્યાસ એટલે કે આઠથી બારમા ધોરણ માટે શાળાઓ શરૂ થશે, જ્યારે કે ગ્રામીણ વિસ્તારમાં પાંચમા ધોરણથી શાળાઓ શરૂ કરવામાં આવી શકે છે. જોકે આ સંદર્ભે અંતિમ નિર્ણય શાળાઓ, મૅનેજમેન્ટ, વાલીઓ કરશે. તેમ જ એની નિયમાવલી ટૂંક સમયમાં જાહેર થાય એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લગભગ તમામ સેવાઓ અને વ્યવહારો સરળતાથી ચાલી રહ્યા છે. માત્ર શાળાઓ, કૉલેજો અને મંદિરો બંધ છે. શાળા શિક્ષણ વિભાગે કોરોના નિયંત્રણમાં હોવાથી શાળા શરૂ કરવાના પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ પ્રસ્તાવ મુખ્ય પ્રધાનને મોકલવામાં આવ્યો હતો અને હવે મુખ્ય પ્રધાને એને મંજૂરી આપી દીધી છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને શાળાઓ શરૂ કરવામાં આવશે.
