ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
ગણેશોત્સવ નજીક આવતાં જ હવે ગણેશ મંડળોમાં હિલચાલ શરૂ થઈ ગઈ છે. ગણેશ મંડળોએ 'મારો ગણેશોત્સવ, મારી જવાબદારી' અભિયાન અંતર્ગત આ વર્ષે મુંબઈમાં ગણેશોત્સવ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઉત્સવની ઉજવણી દરમિયાન, કાર્યકરોને રસી આપવા ઉપરાંત અનેક આરોગ્ય પ્રવૃત્તિઓ યોજવાનું પણ નક્કી કર્યું છે.
મંડળોએ જુલાઈ સુધીમાં રસીકરણ પૂર્ણ કરવાના આશયથી તેમના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું છે. એ સિવાય, તહેવાર દરમિયાન કોરોના ચેપને રોકવા માટે ઑનલાઇન દર્શનની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મુંબઈના નામાંકિત બોર્ડના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ઉત્સવ દરમિયાન રસીકરણ ઉપરાંત રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર અને આરોગ્ય સંબંધિત અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે. આ વર્ષે ફક્ત ઑનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કરી કાર્યકર્તાઓના સમયાંતરે RT-PCR પરીક્ષણ કરવામાં આવશે. ધાર્મિક વિધિ પૂર્ણ કરવા માટે પણ ખાસ કાળજી લેવામાં આવશે.