News Continuous Bureau | Mumbai
Narmada Water :
- ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ
- દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૯૨૩ કરોડના ખર્ચે ૫૩.૭૦ કિમી લાંબી પાઇપલાઇન નખાશે
- થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૧,૧૫૦ કરોડના ખર્ચે ૬૩.૮૬ કિમી લાંબી પાઇપલાઇન નખાશે
- આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે
વિધાનસભા ગૃહ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,દરિયામાં વહી જતું નર્મદા નદીનું વધારાનું પાણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના પરિણામે આજે ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું છે. આજે સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના પરિણામે આપણું રાજ્ય પાણીદાર બન્યું છે.
વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૯૨૩ કરોડના ખર્ચે આશરે ૩૦૦ ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી ૫૩.૭૦ કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ પાઇપલાઇનના માધ્યમથી દિયોદર તાલુકાના ૪૬ ગામ, લાખણી તાલુકાના ૪૩ ગામ, ડીસા તાલુકાના ૨૩ ગામ અને થરાદ તાલુકાના ૧૨ ગામોને મળીને કુલ ૧૨૪ ગામોના ૧૯૪ તળાવોને જોડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Cultural Meet 2025 : ગુજરાત યુનિવર્સિટીમાં 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન, નવી દિલ્હી સંગીત નાટક એકેડેમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચાએ કર્યું ઉદ્ઘાટન
તેવી જ રીતે, થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૧,૧૫૦ કરોડના ખર્ચે આશરે ૨૦૦ ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી ૬૩.૮૬ કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માધ્યમથી થરાદ તાલુકાના ૫૪ અને ધાનેરા તાલુકાના ૫૫ ગામોને મળીને કુલ ૧૦૯ ગામના ૧૧૭ તળાવોને પાઈપલાઈન સાથે જોડવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.