ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
એક તરફ રાજકોટમાં વેક્સિનના બીજા ડોઝ માટે મેગા વેક્સિનેશન ડ્રાઇવ ચલાવી ઘરે ઘરે જઇ લોકોને વેક્સિન આપવા માટે મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ કોરોના વેક્સિન ડોઝની માયાઝાળ તંત્ર માટે મજાક સમાન હોય તેવું ફરી એક વખત ફલિત થયું છે. ૯ માસ પૂર્વે અવસાન પામેલા વૃદ્ધાને ૨૬ જાન્યુઆરીના રોજ વેક્સિનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટિફિકેટ જાહેર થયું છે.
રાજકોટમાં રહેતા કુલદીપસિંહ ગોહિલના માતાનું આજથી ૯ માસ પૂર્વે એટલે કે ૨૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ અવસાન થયું હતું. હંસાબા પ્રવિણસિંહ ગોહિલ નામના વૃદ્ધા ૨૪ એપ્રિલના રોજ અવસાન થયા બાદ ૨૬ જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેમને વેક્સિનનો બીજાે ડોઝ લીધો હોવાનો મેસેજ પુત્રના મોબાઈલમાં આવ્યો હતો. આ મેસેજ વાંચી પુત્ર અકળાઇ ગયો હતો અને મેસેજમાં આપેલી લિંક ખોલતા તેમાં વેક્સિનનો બીજાે ડોઝ ૨૬ જાન્યુઆરીના રોજ લીધા અંગે સર્ટિફિકેટ પણ જોવા મળ્યું હતું.
કુલદીપસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, આજથી ૯ માસ પૂર્વે મારા માતાનું અવસાન થયું હતું અને ૨૬ જાન્યુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવતા હું સ્તબ્ધ થઇ ગયો હતો. બે મિનીટ વિચારવા લાગ્યો હતો. બાદમાં મેસેજમાં રહેલી લિંક ખોલતા તેમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટિફિકેટ પણ જોવા મળ્યું હતું. મનપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોના અને વેક્સિનના નામે મનપા કામ કરવાના બદલે લોલમલોલ સાથે મોટી મોટી વાતો કરે છે.
વારંવાર મૃત વ્યક્તિને વેક્સિન આપવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતા મનપા સામે સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું વેક્સિનેશનના આંકડા વધારવા અને ૧૦૦% વેક્સિનેશન થયું હોવાનું કાગળ પર બતાવવા માટે તંત્ર મૃત વ્યક્તિઓના આધારકાર્ડનો ઉપયોગ કરી રહી છે? ત્યારે આજથી બીજા ડોઝ માટે ડોર ટુ ડોર મેગા વેક્સિનેશનમાં ખરેખર લોકોને વેક્સિન આપવામાં આવશે કે પછી આ જ રીતે મનપા આંકડાની માયાજાળમાં મસ્ત રહી મોટી મોટી વાતો કરતું રહેશે તે જોવું મહત્વનું રહેશે.
