ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે આવ્યા છે. વારાણસીમાં વડા પ્રધાનની આ યાત્રા કુલ 225 દિવસના અંતરાળ બાદ થઈ રહી છે. વારાણસી પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ રુદ્રાક્ષ ઇન્ટરનૅશનલ કન્વેશન સેન્ટરે પહોંચી રુદ્રાક્ષ ઝાડ રોપી સત્તાવાર રીતે સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદ વડા પ્રધાને એનું નિરીક્ષણ કરી સંબોધન પણ કર્યું હતું. આ દરમિયાન જાપાનીઝ નિર્માણ પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું.
આ સાથે જાપાનીઝ વડા પ્રધાન યોશિહુદે સુગાનો રેકૉર્ડેડ વીડિયો પણ કાર્યક્રમમાં દેખાડવામાં આવ્યો હતો. જેમાં તેમણે ભારત-જાપાનના સંબંધો પર વિચાર રજૂ કર્યા અને આ સંબંધોને આગળ પણ મજબૂત રાખી આગળ વધારવા મુદ્દે પોતે કટિબદ્ધ હોવાની વાત કહી હતી. રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર માટે જાપાને 186 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે વડા પ્રધાન મોદીએ દરેક પ્રવાસ વખતે કાશીને કરોડો રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આજે પણ રૂા. 1475 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. એમાં સ્વાસ્થ્ય, વિકાસ, જળ, નિગમ, ઊર્જા, સિંચાઈ વગેરે યોજનાઓનો સમાવેશ થાય છે. સાથે જ તેમણે આજે માર્ગ, પેયજળ અને સીવેજ, ગ્રામ વિકાસની અનેક યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા અને BHUમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં બજેટથી તૈયાર થયેલ MCH (મધર ચાઇલ્ડ હેલ્થ) વિંગની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિન્જો આબેએ તેમના વારાણસી પ્રવાસ દરમિયાન એનો શિલાન્યાસ કર્યો હતો. આ સેન્ટર શિવલિંગના આકારમાં બનેલું છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરની બહાર 108 સાંકેતિક રુદ્રાક્ષ લાગેલા છે, જે ઍલ્યુમિનિયમના છે.