ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા પ્રકરણમાં અત્યાર સુધીમાં એક પણ ધરપકડ થઈ ન હતી. હિંસાચારને પગલે ઉત્તર પ્રદેશમાં રાજકીય વાતાવરણ બરોબરનું ગરમ છે. તમામ રાજકીય પક્ષો આ મુદ્દે પોતાનો રોટલો શેકી રહ્યા છે. હિંસાચારમાં પીડિતોની મુલાકાતે નીકળેલાં કૉન્ગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને અધવચ્ચે જ રોકીને ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે. ત્યારે આજે હવે કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે પીડિતોની મુલાકાતે લખીમપુર જવાના હોવાની જાહેરાત કૉન્ગ્રેસે કરી છે. એથી સ્થાનિક સ્તરે માહોલ હજી બગડે એવી આશંકા પોલીસ અને સ્થાનિક પ્રશાસને વ્યક્ત કરી છે.
લખીમપુર હિંસા પ્રકરણમાં 8 ખેડૂતોનાં મોત થયાં હોવાનો દાવો ખેડૂત પક્ષે થઈ રહ્યો છે ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્રની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવાની માગણી કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના લખનૌમાં મંગળવારે એક પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે વડા પ્રધાન ગયા હતા. એની સામે પ્રિયંકા ગાંધીએ વીડિયો દ્વારા વડા પ્રધાનને તેઓ લખીમપુરની મુલાકાત નથી લેવાના એવો સવાલ પણ કર્યો હતો.
