News Continuous Bureau | Mumbai
Shiv Sena UBT Rebellion મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને વસઈ-વિરાર પાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ થયેલા અને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા નેતાઓ સામે ઉદ્ધવ ઠાકરેએ લાલ આંખ કરી છે. શિસ્તભંગના પગલાં લેતા ઉદ્ધવ ઠાકરેએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 29 નેતાઓને પક્ષમાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢ્યા છે. જેમાં પૂર્વ મંત્રી અનિલ પરબના નજીકના સાથી શેખર વાયંગણકરનું નામ પણ સામેલ છે.
અનિલ પરબ વિરુદ્ધ વરુણ સરદેસાઈ: ટિકિટનો ટકરાવ
બાંદ્રા-પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ટિકિટ વિતરણને લઈને વિવાદ વકર્યો છે. અહીં ધારાસભ્ય વરુણ સરદેસાઈના પ્રભાવ હેઠળ હરી શાસ્ત્રીને ટિકિટ આપવામાં આવતા અનિલ પરબ જૂથના શેખર વાયંગણકર નારાજ થયા હતા. વર્ષ 2017માં વોર્ડ નંબર 95 થી ચૂંટાયેલા વાયંગણકર એકનાથ શિંદેના બળવા છતાં ઉદ્ધવ સાથે જ રહ્યા હતા, પરંતુ આ વખતે ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પરબ અને ઠાકરે પરિવારની સમજાવટ છતાં તેઓ ન માનતા અંતે તેમને પક્ષમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે.
મુંબઈના વિવિધ વોર્ડના પદાધિકારીઓ પર એક્શન
ઉદ્ધવ ઠાકરેએ માત્ર બાંદ્રા જ નહીં, પણ સમગ્ર મુંબઈના અલગ-અલગ વોર્ડમાં બળવો કરનારા નેતાઓની યાદી જાહેર કરી છે. જેમાં વોર્ડ 74 માંથી સંદીપ મોરે અને મંદાર મોરે, વોર્ડ 169 માંથી કમલાકર નાઈક અને વોર્ડ 183 માંથી રોહિત ખૈરે જેવા નામો સામેલ છે. કુલ 28 જેટલા મુંબઈના નેતાઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પક્ષના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ કામ કરનારા કોઈ પણ વ્યક્તિને સહન કરવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Nicolas Maduro: નિકોલસ માદુરોનું ભારત કનેક્શન: ક્યારેક બસ ચલાવતા હતા, આજે અમેરિકાની કેદમાં છે; સત્ય સાઈ બાબાના પરમ ભક્ત છે વેનેઝુએલાના આ નેતા
વસઈ-વિરારમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી
મુંબઈની સાથે વસઈ-વિરાર મહાનગરપાલિકામાં પણ શિવસેના UBT એ સફાયો કર્યો છે. અહીં હરિશ્ચંદ્ર પાટીલ, દિલીપ કુવેસકર અને વિશ્વાસ કિણી સહિતના આઠ નેતાઓને પક્ષમાંથી બહાર કરી દેવાયા છે. ચૂંટણીના એન્ડ ટાઈમે આટલી મોટી સંખ્યામાં નેતાઓની હકાલપટ્ટી થવાથી પક્ષની વોટબેંક પર શું અસર પડશે તે જોવું રહ્યું. બીજી તરફ, આ બળવાખોર નેતાઓ હવે અપક્ષ તરીકે મેદાનમાં રહીને શિવસેના UBT ના સત્તાવાર ઉમેદવારોની મુશ્કેલી વધારી શકે છે.
