ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 મે 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે પહેલી જૂન સવારે 07:00 વાગ્યા સુધી લાગુ રહેનાર 'બ્રેક ધ ચેઇન'નો આદેશ જાહેર કર્યો છે. આ નવા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ રાજ્યમાં પ્રવેશ કરતાં અગાઉ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ ન્યૂનતમ ૪૮ કલાક પહેલાં કરાવવો જરૂરી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે તકલીફ ટ્રાન્સપોર્ટરોને થઈ રહી છે. વાત એમ છે કે માલની હેરફેર કરનાર ટ્રાન્સપોર્ટની ટ્રકો ૨૪ કલાક દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતી હોય છે. આ ઉપરાંત તેઓ વળતો પ્રવાસ પણ કરે છે. આ સમય દરમિયાન જો તેઓ વારંવાર ટેસ્ટ કરાવવા બેસે તો તેમનો ઉદ્યોગ ચાલી શકે એમ નથી. આ પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટરોએ શું કરવું એ માટે અવઢવમાં છે.
કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમને આ નિયમમાંથી બાકાત રાખવા જોઈએ, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારે આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. જેને કારણે આવનારા દિવસોમાં અનેક વસ્તુઓની સપ્લાય અવરોધાઈ શકે છે.
