ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનમાં ભલે દુકાનને ખોલવાની મંજૂરી આપવામાં આવી હોય, પરંતુ તો પણ બજારમાં મંદી જ છે. આ જ કારણ છે કે હવે દુકાનદારો ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કિમો અને ઓફરો લઈને આવી રહ્યા છે. આ સ્કીમ અંતર્ગત કેરળના એક દુકાનદારે જાહેરાત આપી હતી, જેને વાંચ્યા પછી પોલીસે દુકાનને તાળાબંધી કરવી પડી હતી. આ જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જો તેની દુકાનમાંથી સામાન લેવાના 24 કલાક બાદ કોઈ કસ્ટમર કોરોના પોઝિટિવ આવે છે તો તેને જીએસટી વિના 50 હજાર રૂપિયાનું કેશબેક મળી શકે છે. 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધીના ગાળા માટેની ઓફરની જાહેરાત ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને ડીજીટલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. આ દરમિયાન આ જાહેરાત કોટ્ટાયમની પાલા નગરપાલિકાના નગરસેવક અને વકીલ બિનુ પુલિક્કાકંદમના ધ્યાનમાં પણ આવી હતી.
વકીલ બિનુ પુલિક્કાકંદમે આ મામલાને ગંભીરતાથી લઈને કેરળના મુખ્યપ્રધાનને પત્ર લખી આ બાબત તેમના ધ્યાનમાં મૂકી હતી. વકીલે કેરળના મુખ્યમંત્રીને પીનારાઈ વિજયનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, દુકાનદાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત એકદમ ગેરકાયદેસર છે. આ જાહેરાત જોઈને કોઈ કોરોના પોઝિટિવ દર્દી પણ લાલચમાં આવી શકે છે અને અન્ય લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. કોરોનાની મહામારી વચ્ચે દુકાનદાર પોતાનો ધંધો કરવા માટે સામાજિક જવાબદારી ભૂલી ગયો છે.
વકીલે મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ આ ઘટના પોલીસને ધ્યાને આવતા પોલીસે દુકાને બંધ કરાવી હતી અને દુકાનદાર સામે આઇપીસીની કલમ 269 અને સૂચના પ્રૌદ્યોગિકી નિયમ 2020ની કલમ 89, ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019ની કલમ 89 અને કેરળ નગરપાલિકા અધિનિયમના સ્વાસ્થ્યના માપદંડો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
